અનોખી પરંપરા, મહાદેવના આ મંદિરમાં લોકો જીવતા કરચલા ચડાવે છે
- રામનાથ ઘેલા મહાદેવના મંદિરમાં અનોખી પ્રથા
- લોકો અહીંયા જીવતા કરચલા ચડાવે છે
- જાણો શું કહે છે લોકો આ પ્રથા વિશે
સુરત: આપણા દેશમાં ભગવાનની આસ્થા અને શ્રધ્ધા લોકોમાં એવી હોય છે કે ક્યારેક તો એને જોઈને લાગે કે આવું કેવુ.. આવું જ છે એક સુરતના ઉમરા ગામમાં કે જ્યાં રામનાથ ઘેલા મંદિર સાથે સંકળાયેલી રોચક પરંપરાને આધીન શુક્રવારે મહાદેવને જીવતા કરચલા ચઢાવવા માટે શ્રાદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટે છે.
તાપી કિનારે આવેલા મંદિરની નજીકમાં જ સ્મશાન ઘાટ છે. જેને પગલે અહીં અનેક લોકો પિતૃઓની તર્પણ વિધી કરે છે. શુક્રવારે પોષ વદ એકાદશીએ વ્હેલી સવારથી જ મહાદેવના દર્શનની સાથે જીવતા કરચલા ચઢાવવા શ્રાદ્ધાળુઓનું ઘોડાપૂર જોવા મળ્યુ હતુ. તાપી કિનારે ઠેરઠેર તર્પણ વિધીના દૃશ્યો સાથે જ ગામમાં પરંપરાગત રીતે મેળો ભરાયો હોય લોકોની ભીડ દેખાઇ હતી.
રામનાથદાદાની સાલગીરી વેળાએ ભોલેનાથના દર્શન અને પિતૃતર્પણ માટે દિવસભર ભીડ જોવા મળી હતી. તાપી નદીના કિનારે આવેલા રામનાથ ઘેલા મંદિરમાં શુક્રવારે પોષ વદ એકાદશીએ રામનાથ દાદાની સાલગીરી મહોત્સવની રંગારંગ ઉજવણી થઇ હતી.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, સુરત જિલ્લાના ઉમરા ખાતે આવેલા પૌરાણિક રામનાથ ઘેલા મંદિરમાં શ્રાવણ માસ અને પોષવદ એકાદશીએ દર્શનનો મહિમા છે. ભગવાન રામના પિતા દશરથની તર્પણ વિધી સાથે જોડાયેલી વાયકાને આધીન સંતાન, પરિવારના સભ્યોને કાનની તકલીફ હોય તો અહીં મહાદેવને જીવતા કરચલા ચઢાવવાની બાધા-માનતા લેવાઇ છે. આ પ્રથા દાયકાઓથી ચાલી આવે છે.