Site icon Revoi.in

પાવાગઢમાં વરસાદી વાતાવરણમાં કૂદરતનો અનોખો નજારો, શનિ-રવિની રજામાં પ્રવાસીઓ ઉમટી પડ્યાં

Social Share

ગોધરાઃ  સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે રવિવારે વહેલી સવારથી જ પ્રવાસીઓ, યાત્રાળુઓ અને દર્શનાર્થી માઈ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. પાવાગઢએ આસ્થા, શક્તિ, શ્રદ્ધા, અને ભક્તિની સાથે, પ્રવાસન ધામ તરીકે વિકસેલા અને વન-ડે પિકનિક પોઇન્ટ તરીકે નજીકના શહેરીજનોનું મનપસંદનું સ્થળ બની ગયું હોવાથી રજાઓ અને વિકેન્ડના સમયે અહીં લાખો દર્શનાર્થીઓ અને યાત્રિકો આ સ્થળની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે રવિવારે વરસાદી વાતાવરણમાં પચાસ હજારથી વધુ યાત્રાળુઓ પાવાગઢ પહોંચતા વાહનોની ભારે ભીડ જામી હતી.

યાત્રાધામ પાવાગઢમાં હાલ વરસાદી વાતાવરણમાં પર્વતમાળાએ જાણે લીલી ચાદર ઓઢી હોય એવો કૂદરતનો એનોખો નજારો જોવા મળી રહ્યો છે. શનિવાર અને રવિવારની જાહેર રજાને લીધે મોટી સંખ્યામાં યાત્રાળુંઓ ઉમટી પડ્યા હતા. છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદને પગલે પાવાગઢ ડુંગર ઉપર સર્જાયેલા આહલાદક વાતાવરણને માણવા પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી. રવિવારે વહેલી સવારથી પાવાગઢ તળેટીમાંથી માચી તરફ ગયેલા વાહનો માચી ખાતેનું પાર્કિંગ ફૂલ થઈ જતા માચી સુધી પહોંચ્યા ન હતા. વરસાદી માહોલ અને રવિવારની રજાના દિવસે પાવાગઢ મહાકાળી માતાજીના દર્શને આવેલા દર્શનાર્થી ભક્તો અને ડુંગર ઉપર સર્જાયેલા આહલાદક વાતાવરણના કુદરતી નજારાને માણવા આવેલા યુવાઓની ભીડ એકત્ર થતાં પાવાગઢ પોલીસે બપોર પહેલા તળેટીમાં પ્રવેશતા વાહનો અટકાવ્યા હતા. માચીથી બે કિમોમીટર સુધી વાહનોની ભીડ જામી જતા એક તબક્કે યાત્રાળુઓ અને પ્રવાસીઓએ પોતાના વાહનો રોડ ઉપર પાર્ક કરીને માચી સુધી ચાલતા પહોંચવું પડ્યું હતું.

માચીથી પાવાગઢ મહાકાળીના મંદિરે પહોંચવા માટે ઉડન ખટોલાની સર્વિસમાં પણ લાંબી કતારો જોવા મળી હતી. યાત્રાળુઓ અલાદક વાતાવરણ અને કુદરતી નજારો માણતા માણતા પગપાળા માતાજીના મંદિરે પહોંચ્યા હતા. બપોરના બે વાગ્યા સુધી પોણો લાખ યાત્રાળુઓ પાવાગઢ તળેટીમાંથી માચી તરફ ગયા હોવાનો અંદાજ હતો. ત્યારે આ આંકડો સાંજ સુધી એક લાખને પાર થઈ ગયો હતો.  પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા દર વિકેન્ડ અને જાહેર રાજાઓના દિવસે વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવે તે જરૂરી બન્યું છે. સાથે સાથે તળેટીમાં સર્જાતી પાર્કિંગ સમસ્યાનું પણ નિરાકરણ લાવવાની દિશામાં જિલ્લા વહીવટીતંત્ર કામગીરી કરે તે પણ જરૂરી બન્યું છે.