Site icon Revoi.in

જુનાગઢના ગિરનાર પર્વત પર વનરાજી ખીલી ઉઠતા કુદરતનો અનોખો નજારો સર્જાયો, ઠેર ઠેર ઝરણાં

Social Share

જુનાગઢઃ સોરઠ પંથકમાં છેલ્લા સપ્તાહથી સારોએવો વરસાદ પડી રહ્યો છે. આમ તો મેઘરાજાએ પખવાડિયા પહેલા જ પધરામણી કરી દીધી હતી. ગીરના જંગલ વિસ્તારોમાં સમયાંતરે પડતા વરસાદને કારણે કુદરતનો અનોખો નજારો સર્જાયો છે. વરસાદને લીધે ચોરેબાજુ લીલોતરી જોવા મળી રહી છે.

જુનાગઢના દાતાર પર્વત પર ધોધ વહેવા લાગ્યા છે. તો ગીર સોમનાથમાં ભારે વરસાદ બાદ ગીર ગઢડા ખાતે આવેલા દ્રોણેશ્વર ડેમ ત્રીજીવાર છલકાયો છે.  દાતાર પર્વત પર ધોધમાર વરસાદ કારણે પહાડો પરથી પાણીના ધોધ વહેતાં થયા છે. દાતારની સીડી પર ધસમસતું પાણી જોવા મળે છે. સાથે વરસાદનો નયનરમ્ય નજારો પણ જોવા મળ્યો છે. જે હિલ સ્ટેશન જેવો દેખાય છે.

ગીર જંગલની મધ્યમાં આવેલા યાત્રાધામ તુલસીશ્યામ આસપાસ થયેલી મેઘમહેરના કારણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે અને ધરતીએ જાણે લીલી ચાદર ઓઢી હોય તેવા દૃશ્યો સર્જાયા છે. તુલસીશ્યામ અને આસપાસ ખીલી ઉઠેલી પ્રકૃતિના ડ્રોન કેમેરામાં અદભુત દૃશ્યો કેદ થયા છે.

ગીર જંગલ અને જિલ્લામાં ઉપર કુદરત મહેરબાન હોય તેમ થોડા દિવસોથી સતત વરસી રહેલા વરસાદના પગલે ગીર જંગલમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે. ગીર જંગલમાં આવેલ પ્રખ્યાત તુલસીશ્યામ મંદિરની આસપાસના જંગલ વિસ્તારમાં લીલી ચાદર છવાઈ ગયાનો અલોકીક નજારો જોવા મળી રહ્યો છે. જે જોતા જાણે પ્રકુતિને કુદરતે ખુલ્લા હાથે આશીર્વાદ આપ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.

ગીર ગઢડા ખાતે આવેલો દ્રોણેશ્વર ડેમ ત્રીજી વાર છલકાયો છે. ગીર સોમનાથમાં ભારે વરસાદને કારણે મચ્છુન્દ્રી નદી પાણીની આવક થતા ડેમ છલકાયો છે. મચ્છુન્દ્રી તેમજ ઘોડાવડી નદીમાં પાણી આવતા દ્રોણેશ્વર ડેમમાં પાણી વધી ગયુ છે, તેથી ડેમ છલકાયો છે.  ગીર જંગલ વિસ્તારમાં સતત વરસાદ વરસતાં મછુન્દ્રી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે, જેને લઈ ગીર-ગઢડા પાસે આવેલો પ્રખ્યાત દ્રોણેશ્વર ડેમ (બંધારો) ઓવરફ્લો થયો હતો. ત્યારે ડેમનાં આહલાદક કુદરતી દૃશ્યો જોવા મળ્યાં હતાં. આ નજારો જોવા આસપાસથી મોટી સંખ્યામાં લોકો ડેમ સાઈટ પર ઊમટી પડ્યા હતા.