અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર બનાવોમાં વધારો થયો છે. દરમિયાન અમદાવાદથી રાજકોટ જતા આંગડિયા પેઢીના વાહનને આંતરીને અજાણ્યા શખ્સોએ લૂંટ ચલાવી હતી. લૂંટારુઓએ આંગડિયા પેઢીના કર્મચારીઓને માર મારીને વાહનની લૂંટ ચલાવી હતી. પેઢીના વાહનમાં ચાંદીની પાટો, જ્વેલરી અને કિંમતી વસ્તુઓ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદની આંગણવાડી પેઢના કર્મચારીઓ કિંમતી મતા લઈને વાહન લઈને રાજકોટ જવા નીકળ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના કાનપુર નજીક અમદાવાદ-લીંબડી હાઈવે પર અન્ય બે વાહનમાં આવેલા સાતેક શખ્સોએ આંગડિયા પેઢીના વાહનને અટકાવ્યું હતું. તેમજ પેઢીના વાહનમાં સવાર કર્મચારીઓને માર માર્યો હતો. તે બાદ આખા વાહનની લૂંટ ચલાવીને પલાયન થઈ ગયા હતા. વાનમાં ચાંદીની 70 પાટો, જ્વેલરી અને ઇમીટેશન સહિતના મુદ્દામાલ હોવાનું જાણવા મળે છે.
આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. તેમજ લૂંટારુઓને ઝડપી લેવા માટે નાકાબંધી કરી હતી. આ ઉપરાંત લૂંટની મતા જાણવા મળે કવાયત તેજ શરુ કરી હતી. લૂંટની ઘટનામાં જાણભેદુની સંડોવણી હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે ઘટના સ્થળની આસપાસના વિસ્તારમાં લગાવાયેલા સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરુ કરી છે.
જિલ્લા પોલીસ વડા ડો.ગિરીશ પંડ્યાએ જણાવ્યું હતું કે, અમદાવાદથી રાજકોટ જતા આંગડિયા પેઢીના વાહનને અજાણ્યા શખ્સોએ લૂંટ ચલાવી હતી. પોલીસની તપાસમાં બનાવ સ્થળથી આઠેક કિમી દૂર આંગડિયા પેઢીનું વાહન મળી આવ્યું છે. તેમજ તેમાંથી કેટલાક પાર્સલ મળી આવ્યાં છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે લૂંટારુઓને ઝડપી લેવા તપાસ શરુ કરવામાં આવી છે.