જામનગરમાં એક કાર્યક્રમમાં સાંસદ સહિત ભાજપના ત્રણ મહિલા નેતાઓ વચ્ચે થઈ શાબ્દિક તડાફડી
જામનગરઃ શહેરમાં યોજાયેલા મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમમાં રાજકીય સંગ્રામ જેવી સ્થિતિ જોવા મળી હતી. ભાજપના જ ત્રણ મહિલા નેતા વચ્ચે શાબ્દિક તડાફડી થઈ હતી. ધારાસભ્ય રીવાબા જાડેજા, સાંસદ પુનમબેન માડમ તથા મેયર બિનાબેન કોઠારી વચ્ચે જાહેર કાર્યક્રમમાં સર્જાયેલી શાબ્દીક તડાફડી પાછળનું કારણ શહીદોને ચપ્પલ પહેરીને શ્રધ્ધાંજલી આપવી કે ચપ્પલ ઉતારીને તે મુદ્દો જ હોવાનું બહાર આવ્યું છે. સાંસદ પુનમબેન માડમના ઉચ્ચારણ રીવાબાને ખુંચ્યા હતા અને ત્યારબાદ ટપાટપીનો સમગ્ર ઘટનાક્રમ સર્જાયો હતો.
જામનગરના મહિલા નેતાઓ વચ્ચેની શાબ્દિક તડાફડીના ભાજપના પ્રદેશ લેવલ સુધી ઘેરા પ્રત્યાઘાતો પડયા છે, સમગ્ર ઘટના વિશે ધારાસભ્ય રીવાબા જાડેજાએ મીડિયાને જણાવ્યું હતું કે, શહીદોને શ્રધ્ધાંજલી આપવાનો મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કાર્યક્રમ યોજાયો હતો સવારે 9 વાગ્યાના આ કાર્યક્રમમાં સાંસદ પુનમબેન માંડમ 10 વાગ્યે પહોંચ્યા હતા. સૌપ્રથમ સાંસદે શહીદોને પુષ્પાંજલી અર્પણ કરીને શ્રધ્ધાંજલી આપી હતી. ત્યારબાદ રીવાબાનો વારો હતો. સૌપ્રથમ પુષ્પાંજલી અર્પણ કરનારા પુનમબેન માડમે ચપ્પલ ઉતાર્યા વગર શહીદોને પુષ્પ ચડાવ્યા હતા. ત્યારબાદ મારો વારો આવતા મેં ચપ્પલ ઉતારી પુષ્પાંજલી અર્પણ કરી હતી. મારા બાદ જેટલા પણ આગેવાનો આવ્યા ત્યારે તેમણે ચપ્પલ ઉતારીને જ શહીદોને શ્રધ્ધાંજલી આપી હતી. ચાલુ કાર્યક્રમે સાંસદ પુનમબેન માડમ ઉંચા અવાજે એવું બોલ્યા હતા કે, વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ પણ આ પ્રકારના કાર્યક્રમમાં બુટ-ચપ્પલ ઉતારતા નથી પણ અમુક ‘ભાન વગરના લોકો એકસ્ટ્રા ઓવર સ્માર્ટ’ થઇને ચપ્પલ કાઢે છે. પુનમ માંડમ જોરથી બોલ્યા એટલે મારે ન છૂટકે સેલ્ફ રિસ્પેક્ટ માટે બોલવું પડ્યું, કારણ કે આવા કાર્યક્રમમાં જ્યાં આપણે શહીદોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ ત્યાં તેમની આવી ટિપ્પણી મને માફક ન આવી એટલે મેં સેલ્ફ રિસ્પેક્ટના ભાગરૂપે તેમને કહ્યું- બેન, તમે મારા વિશે જે ટિપ્પણી કરી છે એ યોગ્ય નથી. મેં પાર્ટી વિરુદ્ધ કોઇ કામ નથી કર્યું, મેં તમને કંઇ નથી કહ્યું. મેં શહીદોને એકસ્ટ્રા રિસ્પેક્ટ આપીને ચંપલ ઉતાર્યા છે, એ કોઇ ખોટી વાત નથી. તેમણે કહ્યું, મેં તમને કંઇ નથી કહ્યું, હું બીનાબેનને કહું છું, પણ મેં જ પહેલા ચંપલ ઉતારીને શ્રદ્ધાંજલિ આપી હતી, એટલે મેં તેમને કહ્યું હતું કે તમે જે કોઇ વ્યક્તિને કહેતા હોવ, નામજોગ વાત કરો અથવા તેમને પર્સનલી કહો, જાહેરમાં આવી ટિપ્પણી ન કરો. એટલે આમાં બીનાબેન જોડે કોઇ વાત નહોતી. મારી અને એમપી માડમ વચ્ચેની વાત હતી.
આ દરમિયાન મેયર બીનાબેન એમ.પી.ની ફેવર લઇને મારી સાથે વાત કરતાં હતાં. બરાબર મોઢા પર આવીને બોલતાં હતાં. એટલે સેલ્ફ રિસ્પેક્ટ જાળવવા મારે તેમને કહેવું પડ્યું, કારણ કે આ મેટરમાં તેમને કંઈ લેવાદેવા નહોતી છતાં પણ તેઓ વચ્ચે કૂદી પડીને મારી સાથે તોછડાઇથી વાત કરતાં હતાં, એટલે મારે તેમને ન છૂટકે કહેવું પડ્યું. બીનાબેનનો લોકો સાથે વાતચીત કરવાનો જે ટોન છે એ જામનગરની જનતા જાણે જ છે. મારે એમાં કંઇ કહેવાની જરૂર નથી.
મીડિયાએ જ્યારે રિવાબાને સવાલ કર્યો કે પાર્ટી દ્વારા કોઇ ઠપકો મળ્યો? તો જવાબમાં રિવાબા જાડેજાએ કહ્યું, એમાં ઠપકો શેનો? મેં ચંપલ કાઢીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી એમાં પાર્ટી ઠપકો આપે કે શાબાશી આપે? આપણા વડાપ્રધાન સંસદભવનનું ઉદઘાટન થતું હોય ત્યારે દંડવંત કરે છે એ કંઇ પ્રોટોકોલ નથી. જ્યારે શ્રદ્ધાંજલિ અને સેલ્ફ રિસ્પેક્ટની વાત આવે ત્યારે હું નહીં પણ સામાન્ય નાગરિકને પણ લાગી આવે. આ મેટર કોઇ એટલી બધી મોટી નથી.