Site icon Revoi.in

શ્રાવણના પ્રારંભ સાથે કેળાના ભાવમાં વધારાથી કેળની ખેતી કરનારા ખેડુતોમાં ખૂશીની લહેર

Social Share

સુરતઃ રાજ્યમાં શ્રાવણોત્સવના પ્રારંભની સાથે ફળ ફળાદીમાં વપરાતા કેળાના ભાવમાં પણ વધારો થયો છે. દક્ષિણ ગુજરાતમાં કેળાંના ભાવ ઐતિહાસિક સપાટી પર પહોંચતા કેળાંની ખેતી કરનારા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. ચાલુ વર્ષ દરમિયાન મે માસથી જ ધીમે ધીમે કેળાંના ભાવ વધવાની શરૂઆત થઈ હતી. અને હાલમાં કેળાંનો એક કિલોનો ભાવ 20 રૂપિયાની આસપાસ પહોંચ્યો છે. આ ભાવ આગામી તહેવારોને જોતાં કેળાંના ભાવ વધુ ઊંચાઈ જાય તેવી શક્યતા છે. મણના ભાવ 400 રૂપિયા સુધી પહોંચે તેની શક્યતા નકારી શકાય તેમ નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતમાં મહત્વનો પાક શેરડી છે. આ ઉપરાંત ખેડૂતો શાકભાજી અને કેળાંની ખેતી પણ કરે છે. ખાસ કરીને સુરત જિલ્લામાં અનેક સહકારી કેળાં મંડળો આવેલા છે. ખેડૂતો સહકારી મંડળી મારફતે કેળાંનો વેપાર કરે છે. જેમાં બારડોલી ચોર્યાસી, પલસાણા, કામરેજ અને મહુવા તાલુકાનાં કેટલાક વિસ્તારોમાં કેળાંની ખેતી જોવા મળે છે. અહીંના કેળાં વિદેશમાં પણ નિકાસ થાય છે. કેળાંની ખેતીમાં ઉતાર ચઢાવ હોવાથી ઘણા લાંબા સમયથી ખેડૂતો ખેતી કરતાં અટક્યાં હતા. આ ઉપરાંત વાવાઝોડું કે અન્ય કોઈ કુદરતી આપદામાં કેળાંની ખેતીમાં મોટું નુકસાન થાય છે. જેને પગલે ખેતી કરવી જોખમકારક છે. જો કે હવે આ વિસ્તારના ખેડૂતો આધુનિક ખેતી તરફ વળ્યા છે અને ફરી એક વખત ખાંડ ઉદ્યોગની પરિસ્થિતિને જોતાં કેળાંની ખેતી વધુ અનુકૂળ માની રહ્યા છે. ગત વર્ષે તૌક્તે વાવાઝોડાએ મોટા પ્રમાણમાં કેળાંની ખેતીને નુકસાન કર્યું  હતું. જો કે ચાલુ વર્ષ દરમ્યાન કેળાંની ખેતીમાં ગત મે માસથી ભાવ ઊંચા જવાની શરૂઆત થઈ હતી અને જૂન માસ દરમિયાન ભાવ ઐતિહાસિક ટોચની સપાટીએ પહોંચ્યા હતા. હાલ એક કિલો કેળાંના ભાવ 19.50 રૂપિયા પહોંચ્યા છે. અંદાજિત મણના 400 રૂપિયા ભાવ ઐતિહાસિક કહી શકાય છે. જેને લઈને ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષ દરમ્યાન કેરીનો પાક ઓછો અને મોડો આવતા મે માસમાં કેળાંના ભાવ ઊંચા રહ્યા હતા. બીજી તરફ ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રના વિસ્તારોમાં પણ કેળાંની ખેતી ઓછી થઈ છે. ત્યાંથી જે આવક થાય તે બંધ થઈ છે. હાલમાં સુરત જિલ્લામાં પણ કેળાંનું ઉત્પાદન ઘટ્યું છે જેના પગલે કેળાંનો પુરવઠો ઓછો થતાં ભાવ આસમાને પહોંચ્યા બોવાનું ખેડુતો કહી રહ્યા છે.  સામાન્ય રીતે કેળાંના ભાવ સરેરાશ 7 થી 8 રૂપિયા પ્રતિ કિલો રહેતા હોય છે. જે બદલાતા રહેતા હોય છે. કોઈ વખત આ ભાવ 5 રૂપિયાથી પણ નીચા જતાં રહે છે. ખાસ કરીને કેરી ગાળામાં આ ભાવ ખૂબ જ નીચા જતાં હોય છે. પરંતુ આ વખતે 19.50 રૂપિયા પ્રતિ કિલોનો ઐતિહાસિક ભાવ ખેડૂતોને મળી રહ્યો છે. જે હજી પણ વધે તેવી સંભાવના છે.