ઓખા-મદુરાઈ વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડાવાશે, દર સોમવારે ઉપડશે, ગુરૂવારે પહોંચશે
રાજકોટઃ ઉનાળુ વેકેશન બાદ પણ પ્રવાસીઓનો ધસારો રહેતા પશ્વિમ રેલવે દ્વારા વિશેષ ભાડા પર ઓખા અને મદુરાઈ વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. તેમજ અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિશેષ ભાડા સાથે સમાન સમય, માળખા સાથે રૂટ લંબાવવામાં આવશે. રાજકોટ ડિવિઝનના સિનિયર DCM સુનિલકુમાર મીનાએ આ અંગેની વિગતો આપી હતી. જેમાં જણાવ્યા મુજબ ટ્રેન નંબર 09520નું બુકિંગ PRS કાઉન્ટર અને IRCTCની વેબસાઈટ પર શરૂ થઈ ગયું છે. ટ્રેન નંબર 09435 અને 09436 માટેનું બુકિંગ 1 જુલાઈ, 2023 થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ ઉપર ખુલશે.
પશ્વિમ રેલવેની યાદીમાં જણાવ્યા મુજબ ઓખા-મદુરાઈ વીકલી સ્પેશિયલ ટ્રેનની 4-4 ટ્રીપ્સ રહેશે. જેમાં
ટ્રેન નંબર 09520 ઓખા – મદુરાઈ સ્પેશિયલ સોમવારે 22.00 કલાકે ઓખાથી ઊપડશે અને ગુરુવારે 11.45 કલાકે મદુરાઈ પહોંચશે. આ ટ્રેન 10મી જુલાઈથી 31મી જુલાઈ, 2023 દરમિયાન દોડશે. વળતી દિશામાં ટ્રેન નંબર 09519 મદુરાઈ – ઓખા સ્પેશિયલ શુક્રવારે 01.15 કલાકે મદુરાઈથી ઊપડશે અને રવિવારે 10.20 કલાકે ઓખા પહોંચશે. આ ટ્રેન 14મી જુલાઈથી 4મી ઓગસ્ટ, 2023 દરમિયાન દોડશે. આ ટ્રેન બંને દિશામાં દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નંદુરબાર, અમલનેર, જલગાંવ, ભુસાવલ, અકોલા, પૂર્ણા, એચ સાહિબ નાંદેડ, નિઝામાબાદ, કાચેગુડા, મહબૂબનગર, ડોન, ગોટી, રેનીગુંટા, કટપડી, વેલ્લોર કેન્ટોનમેન્ટ, તિરુવન્નામલાઈ, વિલ્લુપુરમ, શ્રીરંગમ, તિરુચિરાપલ્લી, મનાપ્પરાઈ, ડીંડીગુલ, કોડાઈકેનાલ રોડ અને કુડાલનગર સ્ટેશન ખાતે ઉભી રહેશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સેકન્ડ સ્લીપર અને જનરલ કોચ હશે.
આ ઉપરાંત અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવાયા છે. જેમાં ટ્રેન નંબર 09435 અમદાવાદ-ઓખા-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન જે અગાઉ 01 જુલાઈ, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી તે હવે 30 સપ્ટેમ્બર, 2023 સુધી લંબાવવામાં આવી છે. તેમજ ટ્રેન નંબર 09436 ઓખા – અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ જે અગાઉ 02 જુલાઈ, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી તે હવે 01 ઓક્ટોબર, 2023 સુધી લંબાવવામાં આવી છે.