- પૂરફાટ ઝડપે બાઈક સામેથી આવતા બાઈક સાથે અથડાયુ,
- બાઈક સવાર માતા-પૂત્ર રોડ પર પટકાયા,
- પૂત્રની નજર સામે તેની માતાનું મોત
ગાંધીનગરઃ જિલ્લાના દહેગામના ગણેશપુરા રોડ બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, પૂરફાટ ઝડપે એક બાઈક ચાલકે પોતાનું બાઇક બેફિકરાઈથી હંકારીને સામેથી આવતા અન્ય એક બાઈકને અથડાવી દીધું હતું. આ અકસ્માતમાં એક બાઈકમાં સવાર માતા-પુત્ર ઉછળીને રોડ પર પટકાયા હતા. જેથી ગંભીર ઈજાઓ થવાના કારણે માતાનું પુત્રની નજર સામે મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જનારા બાઈક સવાર યુવાનો પણ ઘવાયા હતા. આ અંગે દહેગામ પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, દહેગામના હરખજીના મુવાડા ગામમાં રહેતો દિપેશ રાજેશભાઈ ડોડીયા અમદાવાદ કુબેરનગર ખાતેની આઈટીઆઈમાં અભ્યાસ કરે છે. જ્યારે તેના પિતા ખેતીકામ કરે છે. ગઈકાલે બપોરનાં સમયે દિપેશ તેની માતા હિરલબેનને બાઈક પર લઈ ઘરેથી હરસોલી જવા નિકળ્યો હતો. દહેગામ ખાતેની હરસોલી ચોકડી થઈ ગણેશપુરા તરફ આગળ જતા દરમિયાન બે ટ્રેક્ટરની સાઈડ કાપી દિપેશ પરત તેની લેનમાં આવી બાઈક હંકારી રહ્યો હતો. એ વખતે સામેથી એક બાઈકના ચાલકે પોતાનું બાઈક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી દિપેશના બાઈકના આગળના ભાગે અથડાઈ દીધું હતું. જેથી બાઈકસવાર દિપેશ અને હિરલબેન રોડ ઉપર પટકાયા હતા. ઈજાગ્રસ્ત દિપેશે ઉભા થઈને જોયેલ તો તેની માતાને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ખૂબ જ લોહી વહી ગયું હતું. આ જોઇને તેણે તેની માતાને ઉઠાડવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેની માતા બેભાન અવસ્થામાં પડ્યા હતા. જેથી દિપેશે તેના પિતાને ફોન કરીને અકસ્માતની જાણ કરી હતી.
આ અકસ્માતના પગલે આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. અકસ્માત સર્જનારા બાઈક સવાર યુવાનોને પણ શરીરે ઈજાઓ થઈ હતી. બાદમાં 108 એમ્બ્યુલન્સ મારફતે માં દીકરાને દહેગામ સરકારી દવાખાને લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે હિરલબેનને મૃત જાહેર કર્યા હતા. જ્યારે દિપેશને વધુ સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. આ અંગે દહેગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. (પ્રતિકાત્મક તસવીર)