Site icon Revoi.in

સુરતમાં સૌરભ પોલીસ ચોકીમાં 5 હજારની લાંચ લેતા મહિલા પીએસઆઈ રંગેહાથ પકડાયા

Social Share

સુરતઃ ગુજરાતના પોલીસ વિભાગમાં લાંચ માગવાના બનાવો વધતા જાય છે. જેમાં સુરતના સૌરભ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈને રૂપિયા 5000ની લાંચ લેતા એસીબીએ રંગેહાથ પકડી પાડ્યા હતા. અડાજણની સૌરભ પોલીસ ચોકીમાં જ બિન્દાસ્તથી લાંચ લેતા મહિલા પીએસઆઈ પકડાતા સુરતના પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો હતો.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, સુરત શહેરના અડાજણની એક સોસાયટીના ગેટની બહાર વાહનોના પાર્કિંગના મુદ્દે રહીશોએ 4 દુકાનદારો વિરૂદ્ધમાં પોલીસમાં અરજી આપી હતી. આ અરજીની અડાજણ પોલીસના સૌરભ પોલીસ ચોકીના મહિલા પીએસઆઈ નિલમબેન મારૂ  તપાસ કરી રહ્યા હતા. PSIએ ચારેય દુકાનદારોનો કોઈ વાંક ન હોય છતાં તેઓની સામે કલમ 283 મુજબ કાર્યવાહી કરવા અને લોકઅપમાં બેસાડી દેવાની વાત કરી હતી. જેથી દુકાનદારો ડરી ગયા હતા. ચારેય દુકાનદારોને લોકઅપમાં નહીં બેસાડવા અને કાર્યવાહી ન કરવા PSI મારુએ પહેલા 50 હજાર માંગ્યા હતા. બાદમાં રકઝક થતા 40 હજારમાં પતાવટ થઈ હતી. જેમાં 29મીએ શનિવારે 35 હજાર લીધા હતા અને રવિવારે બાકી 5 હજાર લેવા જતા એસીબીની ટ્રેપમાં ભેરવાયા હતા.

મહિલા PSI નિલમ મારુ વર્ષ 2016માં ડાયરેક્ટ ભરતી થઈ હતી. તેમની અમદાવાદથી સુરતમાં બદલી થઈ હતી. મહિલા પીએસઆઈ સાથે લાંચ માંગવામાં અન્ય એક પોલીસકર્મીની સંડોવણીની આશંકા છે. આ બાબતે એસીબીએ તપાસ લંબાવી છે. 10 દિવસ પહેલા તેઓ લાંબી રજા પરથી હાજર થયા હતા. એસીબીના સ્ટાફે તેના ઘરે પણ મોડીરાતે સર્ચ કર્યું છે.

એસીબીના સૂત્રોએ જણાવ્યું હતું કે, રવિવારે દુકાનદારે 5 હજારની રકમ સૌરભ પોલીસ ચોકીમાં મહિલા પીએસઆઈને આપી હતી. પછી તેને શંકા જતા દુકાનદારનો મોબાઇલ જોવા માંગ્યો હતો. મોબાઇલમાં અગાઉ 35 હજારની લાંચ લીધી તેનો વીડિયો હતો. આ જોઈ મહિલા પીએસઆઈ ચોંકી ગયા અને સ્ટાફને કહ્યું કે આપણો વીડિયો ઉતારેલો છે એમ કહી દુકાનદારની સામે 151 મુજબની કાર્યવાહી કરવાની વાત કરી એટલામાં એસીબી પહોંચી હતી.