~ પ્રો. યજ્ઞાંગ રસજ્ઞ પંડ્યા
પુસ્તક : “સુખ દુઃખ મારી દ્રષ્ટિએ…”
સંપાદન : અનિલ ચાવડા
પ્રકાશન : નવભારત સાહિત્ય મંદિર
આપણાં રાષ્ટ્રના ધર્મમહામાનવ કહી ગયા
दुःख में सुमिरन सब करे सुख में करै न कोय।
जो सुख में सुमिरन करे दुःख काहे को होय ॥
સુખ અને દુઃખની પરિસ્થિતિઓ થી જે સર્જાય છે તે આપણું જીવન ! કબીરજી આપણને વર્ષો પહેલાં બહુ વિવેક પૂર્વક સમજાવી ગયા કે સુખ અને દુઃખ ભરેલા આપણાં જીવનને જો સાચા અર્થમાં આધ્યાત્મિક રીતે , સંપૂર્ણ રીતે બેલેન્સ કરવું હોય તો એનો એક જ માત્ર રસ્તો છે સુમિરન એટલે કે હરિનામ સ્મરણ પણ મોટા ભાગના માનવ માત્ર ને આ ધર્મોપદેશ હજુ સમજાયો નથી અને એટલે જ આપણે સૌ સુખદુઃખની પરિસ્થિતિઓમાં વિચલિત થઈએ છીએ. ગીતાજ્ઞાન પણ સ્થિતપ્રજ્ઞતાની વાત સહજ રીતે આપણને સમજાવે છે પણ આ સઘળું ઉતારવું અઘરું છે સુખ અને દુઃખ ની ઉપરની અનુભૂતિ એ “આનંદ” છે અને એ આનંદને આત્મસાત કરવા માટે આપણું સર્વસ્વ શ્રી હરિ ચરણો માં સમર્પિત કરવું જ રહ્યું !આપણાં અસ્તિત્વને “આનંદ”માં ઓગાળતું અદ્ભૂત પુસ્તક વાંચવાનો સુંદર અવસર મળ્યો ! અને એ અદ્ભૂત પુસ્તક એટલે “સુખ દુઃખ મારી દ્રષ્ટિએ” આપણી ગુજરાતી ભાષાના પ્રિય કવિ, સાહિત્યકાર, લેખક અને સ્ટેજ પરથી જ્યારે એ એમની ગઝલો રચનાઓ રજૂ કરતા હોય ત્યારે બબ્બે હાથે દાદ આપવાનું હરહમેંશા મન થાય એવા વિનમ્ર સર્જક એટલે અનિલ ચાવડા એમણે આ સુંદર પુસ્તક ને સંપાદિત કર્યું ! તો આવો આ આપણને આનંદમાં ઓગાળતા સુંદર મજાના પુસ્તકમાં શબ્દસાનિધ્યમાં તરબોળ થઈએ ! સપ્ટેમ્બર 2011ની સાલમાં આ પુસ્તક જીવંત થયું અને પ્રિય પૂજ્ય બાપુને અર્પણ થયું ગુજરાતના ખૂબ જાણીતાં વ્યક્તિ વિશેષો , લેખકો, સર્જકો ,વિદ્વાનો એ પોતાના વ્યક્તિગત અનુભવોની એરણે એમના સુખ અને દુઃખ પર એમની અનુભવી કલમ ચલાવી ! સંપાદનો વાંચવાની મજા જ અનેરી છે એમાં આપણે એકસાથે ઘણાં બધાં સર્જકોના સર્જનને માણી શકીએ છીએ ! અનિલ ચાવડા એમ જણાવે છે કે લેખકોના જીવનમાં આવેલા સુખદુઃખના અનુભવો તમામ વાચકોના જીવનમાં સુખ પ્રસરાવશે જે આપ સૌ પુસ્તક વાંચી લીધા પછી અનુભવશો જ ! ગુજરાતના પ્રતિષ્ઠિત અને આપણી ગુજરાતી ભાષા ને જેમણે રળિયાત કરી છે એવા ૫૪ સર્જકો તમને અનુક્રમણિકા માં શબ્દ સ્વરૂપે મળશે …જેમાં સંપાદક શ્રી અનિલ ચાવડાથી શરૂ કરીને અશોક દવે , ઉદયન ઠક્કર ,નટ સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી , કાંતિ ભટ્ટ, ગુણવંત શાહ , ચંદ્રકાંત બક્ષી , ચિનું મોદી ,જ્યોતીન્દ્ર દવે , તુષાર શુક્લ ,કિશોર મકવાણા, કાજલ ઓઝા વૈદ્ય , જય વસાવડા , રઈશ મણીયાર, શાહબુદ્દીન રાઠોડ , શરદ ઠાકર , સુરેશ દલાલ , સંજુ વાળા , ભાગ્યેશ જહા થી સુરેશ દલાલ જેવાં અદ્ભૂત વ્યક્તિ વિશેષો એ પોતામાં સુખ અને દુઃખના અનુભવથી આપણને આનંદિત કરશે . પુસ્તકનું પહેલું પાનું રામાયણના સુંદર વાક્યો સાથે ખુલે છે ….
“માણસને કોઈ બીજો સુખી કે દુઃખી કરી શકતો નથી,માણસનાં કર્મ જ એને સુખી કે દુઃખી કરે છે. પોતાના સુખદુઃખનું કારણ માણસ પોતે જ હોય તો જ ઈશ્વરના ન્યાયનું વાજબીપણું વરતાય, નહિ તો એ અન્યાય કહેવાય.”
~ રામાયણ
સાથે સાથે તમને સર્જકોના લેખો પછી ક્યાંક આપણી ભાષાની સુખ અને દુઃખ પર આધારિત ઉત્તમ રચનાઓનો આસ્વાદ મળશે મળશે જેમાં આદ્યકવિ નરસિંહ મહેતાથી શરૂ કરીને પ્રભુલાલ દ્વિવેદી થી લઈ ને મરીઝ, દિલીપ શ્રીમાળી સુધીના સર્જકોના શબ્દસાનિધ્યને આનંદવા મળશે.એમાંની ત્રણેક પંક્તિઓને આનંદીએ
“સુખ દુઃખ મનમાં ન અણીએ, ઘટ સાથે રે ઘડિયાં,
ટાળ્યા તે કોઈના નવ ટળે, રઘુનાથનાં જડિયા.
~ નરસિંહ મહેતા
એકસરખા દિવસ સુખના કોઈના જાતા નથી ,
એથી જ શાણા સાહેબીમાં લેશ ફુલાતા નથી .
~ પ્રભુલાલ દ્વિવેદી
બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાનાં વિચાર દે.
~ મરીઝ
આટલી અદભૂત રચનાઓ હથેળી ને સુખની સુગંધથી સુગંધિત કરશે !
સાથે સાથે સુખ દુઃખ વિશે સર્જકો શું કહે છે તે એકદમ રસાળ શૈલીમાં અને ટૂંકમાં જોઈએ ….
મારા અંગત જીવનમાં પ્રસંગો બહુ ઓછા બન્યા છે, એટલે આ બંને અનુભૂતિઓ માફકસરની રહી છે. દુઃખના બનાવો મારા એકલા માટે છે, પણ સુખ નો એક સરસ પ્રસંગ કહી દઉં.
~ અશોક દવે
દીકરીની વિદાય વખતે નહીં રડવાનો સંકલ્પ કરેલો અને એ પ્રમાણે હસતે મોંએ નિમિષાને દીપક સાથે વિદાય કરેલી અને મારા એક મિત્રના ફ્લેટમાં એમને હનીમૂન માટે મૂકી આવી, હું ઘેર આવેલો અને પછી મારી પત્ની હંસાને જોતાં જ બારે મેઘ ખાંગા થયેલાં.
~ ચીનુ મોદી
સાણંદ – કડી હાઇવે ઉપર અમે દસેક મહિના પહેલાં જે જમીન લીધી હતી એના ભાવ માત્ર દસેક મહિનામાં જ લાભપાંચમ ના દિવસોમાં જાણવા મળ્યું કે બમણા જેવા થઈ ગયા. તો શું એ સુખની નિશાની છે ? આ સવાલોનો જવાબ પણ છે, ના.
~ દિનેશ દેસાઈ
યાજ્ઞવલ્ક્ય કે કાલિદાસ કે રસેલની કેળવાયેલી કલમોએ માણસના અસ્તિત્વની વહેતી ઉર્મિલતાને પકડીને કંઈક કોતરકામ કરવાનો યત્ન કર્યો પણ જિંદગી રોજ નવી રીતે પ્રગટ થવા લાગી, પરિણામે આજે સુખ – દુઃખ આવે જાય – તેવું લખવાનું મન થાય.
~ ભાગ્યેશ જહા
મને મારી સુખદ ક્ષણોની વાત કરવી ગમે. ને જે ક્ષણો દુઃખદ રહી એને વિસરી જવી ગમે – પણ, કલમતો અહીં જ ઠેસ ખાઇને ઊભી રહી જાય છે ! જેમને જેમને હું ઉપયોગી થયો – મારી ઇચ્છાએ – એમાંથી કેટલાકને મતે ઉપયોગનો અર્થ ‘વાપરવું’ હતો એવું મને હવે લાગે છે.
~ તુષાર શુક્લ
મારા માટે એટલે જ સૌથી વધુ દુઃખની ક્ષણો અત્યંત ગમતી વ્યક્તિની વિદાય રહી છે. એ પણ અચાનક આવવાને બદલે સ્લો પોઇઝનની માફક ધીરે ધીરે આવી છે, કદાચ એને લીધે હું જાતને થોડી ઘણી સંભાળી શક્યો. કદાચ, એને લીધે એની અસર વધુ પડતી ગાઢ બની ગઈ.
~ જય વસાવડા
હું અનેક પ્રકારનાં દુઃખોથી જીવનમાં બહુ દુઃખી થઈ ચૂક્યો છું. બધા સુખી થવા ઈચ્છે છે , કોઈ દુઃખી થવા નથી ઇચ્છતું છતાં દુઃખ આવે છે, એ હકીકત છે. દુઃખો માનવીને વાસ્તવિકતાનું ભાન કરાવી દે છે. માનવજીવનનું ઘડતર દુઃખોથી થાય છે.
~ શાહબુદ્દીન રાઠોડ
એક માણસ બહારથી ફરીને ઘેર આવ્યો ત્યારે એણે જોયું કે એનો બંગલો ભડભડ બળતો હતો. એ કલ્પાંત કરતો હતો ત્યાં એના પડોશીએ કહ્યું કે ગઈ કાલે જ તમારા દીકરાએ આ બંગલાને વેચવાનો સોદો કરી નાખ્યો હતો. કલ્પાંત કરતો માણસ રાજી રાજી થઈ ગયો.
~ સુરેશ દલાલ
આતો માત્ર લેખોની અમુક ચૂંટેલી એકદમ રસપ્રદ લાઈનો છે આખા ને આખા લેખો આવા અદ્ભૂત અને એકદમ રસાળ શૈલીમાં પ્રસ્તુત થયા છે પુસ્તકનાં જેમ જેમ પાના ફેરવીશું એમ સુખ અને દુઃખ સાથે દોસ્તી ઘેરી થશે એની ખાતરી. સુખ દુઃખથી પર થઈ ને શ્વાસો ને …ક્ષણો ને આનંદ સાથે જીવવાનું જોમ પૂરું પાડશે એની પણ શ્રદ્ધા ! ચાલો ત્યારે આ પુસ્તકને હથેળીમાં ઝટ ખોલોને પાને પાને સર્જકોના અનુભવોને આજીવન આનંદો !