Site icon Revoi.in

વડોદરાના માણેજામાં પૂરફાટ ઝડપે કારે બાઈકને ટક્કર મારતા બાઈકચાલક યુવાનનું મોત

Social Share

વડોદરાઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં શહેરના માણેજા ક્રોસિંગ પાસે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. માણેજા ક્રોસિંગ પાસે રાતના સમયે પૂરફાટ ઝડપે કારે બાઈકને અડફેટે લઈને 30 મીટર સુધી ઢસડતા બાઈકસવાર યુવાનું મોત નિપજ્યું હતું. અતસ્માત બાદ કારચાલક કાર સ્થળ પર મુકીને ફરાર થઈ ગયો હતો.

આ અકસ્માતના બનાવની એવી વિગતો જાણવા મળી છે. કે, વડોદરાના માણેજા ક્રોસિંગ પાસે રોડ પર ઓઈલ ઢોળાયેલુ હોવાથી પોલીસે એક સાઈડનો રસ્તો બંધ કરાવ્યો હતો, અને બીજી સાઈડ પર બન્ને બાજુના ટ્રાફિકની આવન-જાવન શરૂ હતી. દરમિયાન  ગત રાત્રે પૂરફાટ ઝડપે કારે બાઈકને અડફેટે લીધી હતી. કાર સ્પીડમાં હોવાથી અકસ્માત બાદ બાઈક 30 મીટર સુધી ઢસડાઈ હતી. જેમાં બાઈકચાલક વિરલ ચૌહાણ નામના યુવકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઇ હતી. જેમાં દેખાય છે કે, કાર ચાલક પૂરપાટ ઝડપે જઇ રહ્યો છે અને યુવકને અડફેટે લીધો છે. કાર ચાલકની અડફેટે બાઈક ચાલક 25થી 30 મીટર સુધી ઢસડ્યો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં રહેતો 42 વર્ષીય યુવક વિરલ પ્રવિણભાઇ ચૌહાણ છેલ્લા 5 વર્ષથી માણેજા વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરે છે. વિરલ ગઇકાલે કંપનીની ગાડી લઇને રાજકોટ ગયો હતો અને ત્યાંથી મોડી રાત્રે તે કંપનીમાં પરત ફર્યો હતો અને કંપનીમાં કાર મૂકીને બાઇક લઇને ઘરે જઇ રહ્યો હતો. આ સમયે રસ્તામાં 4 બસ વચ્ચે અકસ્માત થયો હોવાથી ઓઇલ ઢોળાયેલું હતું. જેથી મકરપુરા પોલીસે એક તરફનો રસ્તો બંધ કરાવ્યો હતો. આ દરમિયાન વન વેમાં સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા કાર ચાલકે વિરલની બાઇકને અડફેટે લીધી હતી. જેમાં વિરલનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતના બનાવની જાણ થતાં મકરપુરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. બીજી તરફ અકસ્માત સર્જીને કારચાલક સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. જેથી મકરપુરા પોલીસે આરોપી કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે.