અમદાવાદમાં SG હાઈવે પર હીટ એન્ડ રનમાં યુવાનનું અને અસલાલીમાં ટ્રકની અડફેટે વૃદ્ધનું મોત
અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં વધુ બે અકસ્માતોમાં બેનાં મોત નિપજ્યા હતા. શહેરના એસજી હાઈવે પર હીટ એન્ડ રનના બનાવમાં એક યુનાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અકસ્માતના બીજો બનાવ અસલાલી પાસે બન્યો હતો, જેમાં એક ટ્રકચાલકે વૃદ્ધને અડફેટે લેતા તેનું મોત નિપજ્યું હતુ.
શહેરના એસ.જી હાઇવે પર સર્જાયેલા અકસ્માતના બનાવમાં એક અજાણ્યો વાહનચાલક યુવાનને ટક્કર મારીને પલાયન થઈ ગયો હતો. સુરેન્દ્રનગરના યુવકને એસ.જી હાઇવે પર એક અજાણ્યો વાહન ચાલક ટક્કર મારીને નાસી ગયો હતો, ત્યારબાદ યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ત્રણ દિવસની સારવાર બાદ યુવકનું મોત થયું હતું. આ અંગે એસ.જી હાઇવે 2 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગરમાં રહેતા અજય ચાવડા 31 જાન્યુઆરીએ સવારના સમયે ઉજાલા સર્કલ તરફથી ચાલતા આવીને રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે પુરઝડપે તેમને ટક્કર મારતા તેઓ નીચે પડી ગયા હતા. જેના લીધે શરીરના ભાગે તેમજ મોઢાના ભાગે ઇજાઓ થઈ હતી. આસપાસના લોકોએ અજયભાઈને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ મોકલ્યા હતા. અજયભાઈનો કોઈ વાલી વારસ ન હોવાથી બિનવારસી તરીકે અસારવા સિવિલના ટ્રોમાં વોર્ડમાં તેમને રિફર કરવામાં આવ્યા હતા. ત્રણ દિવસની સારવાર બાદ 3 ફેબ્રુઆરીએ તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. સમગ્ર મામલે એસ.જી 2 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે.
અકસ્માતનો બીજો બનાવ અસલાલી વિસ્તારમાં બન્યો હતો. એક ટ્રક ચાલકે પુરપાટ ઝડપે મૂળજીભાઈ મકવાણા નામના વૃદ્ધને અડફેટે લીધા હતા. અકસ્માતમાં વૃદ્ધના પગ પર ટાયર ચડાવી દીધું હતું. અકસ્માત બાદ ચાલક ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો અને મૂળજીભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જે મામલે તેમના દીકરાએ અસલાલી પોલીસ સ્ટેશનમાં ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.