અમદાવાદઃ શહેરના વૈષ્ણોદેવી સર્કલ નજીક સીબીડી મોલ સામેના રોડ પર એકસેસ સ્કૂટર સ્લીપ ખાઈને ડિવાઈડર સાથે અથડાતા ગંભીર ઈજાઓ થવાથી 23 વર્ષીય યુવાનનું મોત નિપજ્યુ હતું. અડાલજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
અમદાવાદ અને ગાંધીનગરમાં રોડ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે વધુ એક અકસ્માત શહેરના વૈશ્નોદેવી સર્કલ નજીક બન્યો હતો. જેમાં સ્કૂટર સ્લીપ ખાઈ જતાં મેહુલ નામનો યુવાન રોડ પર પટકાયો હતો. અને તેનું માથુ રોડ સાઈડના ડિવાઈડર સાથે અથડાતા મોત નિપજ્યું હતું. અમદાવાદના ગોતા સત્યમેવ વીસ્ટા ખાતે રહેતા સુર્યામીન સુરેશભાઇ પંચાલે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, તેનો નાનો ભાઈ મેહુલ (ઉં. 23) દુકાન ભાડે રાખી ઓર્ગેનિક કરીયાણાનો વેપાર ધંધો કરતો હતો. શનિવારે પરિવારના સભ્યો ઘરે હાજર હતા. એ વખતે મેહુલ તેના મિત્રનું એકસેસ ટુવ્હીલર લઈને સવારે દુકાને જવા નિકળ્યો હતો. જ્યાંથી તે મિત્રની બર્થડેમાં જવાનો હતો. ત્યારે રાતના પોણા બારેક વાગ્યાના સુમારે મેહુલના ફોનથી તેના પિતાના ફોન ઉપર ફોન આવ્યો હતો કે અમો 108 એમ્બુલન્સમાંથી વાત કરીએ છીએ. અને મેહુલ ઝુંડાલ સર્કલથી વૈષ્ણોદેવી સર્કલ તરફ જતાં રોડ ઉપર સી.બી.ડી મોલની સામે કોઈ કારણસર સ્લીપ ખાઈ ગયો હતો. આ અકસ્માતમાં ડીવાઇડર સાથે માથુ પટકાતા તેને શરીરે તેમજ માથાના ભાગે ઇજા પહોંચી હોવાથી સોલા સિવિલ લઈ જઈએ છીએ. આ સાંભળી સુર્યામીન પિતા સાથે સિવિલ દોડી ગયો હતો. જ્યાં ફરજ પરના તબીબે મેહુલને તપાસીને મૃત જાહેર કર્યો હતો. આ બનાવની જાણ થતાં અડાલજ પોલીસ પણ સિવિલ દોડી ગઈ હતી. અને મૃતકનું પોસ્ટમોર્ટમ સહિતની જરૃરી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.