Site icon Revoi.in

ઉડતા વિમાનમાં સિગારેટ ફુંકવાનું કચ્છના યુવાનને ભારે પડ્યું, એરપોર્ટ પોલીસે કરી ધરપકડ

Social Share

અમદાવાદઃ  કચ્છના ગાંધીધામના એક યુવાનને ઉડતા વિમાનમાં સિગારેટ પીવાનું ભારે પડ્યું હતું. રવિ હેમજા નામનો યુવાન દિલ્હીથી અમદાવાદ આવી રહ્યો હતો ત્યારે વિમાનમાં તેને સિગારેટ પીવાની તલપ લાગી હતી. અને ફ્લાઈટના ટોયલેટમાં જઈને સિગારેટ પીવા લાગ્યો હતો દરમિયાન સ્મોક ડિટેક્ટિવને લીધે પાયલોટને જાણ થતા તેને એરહોસ્ટેસને જાણ કરી હતી. ત્યારબાદ અમદાવાદ ફ્લાઈટ્સે લેન્ડિંગ કર્યા બાદ યુવાનને પોલીસને હવાલે કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ  વિમાન ઉંચા આકાશમાં ઉડી રહ્યુ હોય ત્યારે ક્યારેક કેટલાંક મુસાફરોની શરમજનક હરકતો સામે આવી હોય છે.  આમ તો વિમાન ઉડી રહ્યુ હોય ત્યારે તેમાં સિગારેટ પી શકાય નહીં. પણ ગાંધીધામનો મુસાફર આવી હરકત કરીને બરાબરનો ફસાઈ ગયો હતો. વિમાન 30 હજાર ફૂટ ઉંચા આકાશમાં હતું. એ સમયે આ ગાંધીધામના મુસાફરે ટોઈલેટમાં જઈને સિગારેટ સળગાવી હતી.ત્યારબાદ  ભારે દોડધામ મચી ગઈ હતી. દિલ્હીથી અમદાવાદ આવી રહેલી ફ્લાઈટમાં આ ઘટના બની હતી. મુસાફરના આ કારસ્તાન બાદ તેને એરપોર્ટ પોલીસને હવાલે કરી દેવાયો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યું હતું કે,  દિલ્હીથી અમદાવાદ આવી રહેલી ફ્લાઈટમાં કચ્છના ગાંધીધમનો યુવક રવિ હેમજાની મુસાફરી કરી રહ્યો હતો. વિમાન ઉંચે આકાશમાં ઉડી રહ્યું હતું. એ સમયે રવિ હેમજાનીને સિગારેટ પીવાની તલપ લાગી હતી. એટલે તે પોતાની સીટ પરથી ઉઠીને ફ્લાઈટના ટોઈલેટમાં ગયો હતો. ટોઈલેટમાં ગયા પછી રવિ હેમજાનીએ સિગારેટ સળગાવી હતી અને તેના કસ મારી રહ્યો હતો. જે બાદ ફ્લાઈટના કેપ્ટનને તેનું અલર્ટ મળ્યું હતું. એટલે કેપ્ટને ફ્લાઈટના ક્રૂને જાણ કરી હતી. ક્રૂને પણ સિગારેટના ધુમાડાની દુર્ગંધ આવી જતા તેણે મુસાફર રવિ પાસેથી સિગારેટ લઈ બુઝાવી દીધી હતી. થોડા સમય બાદ ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. ત્યાર બાદ ફ્લાઈટના રવિ હેમજાનીને ફ્લાઈટ અને મુસાફરોની સુરક્ષા જોખમમાં મૂકવા બદલ એરપોર્ટ પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો. પોલીસે મુસાફર રવિ હેમજાની વિરુદ્ધ ગુનો નોંધીને તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મહત્વનું છે કે, રવિ હેમજાનીની આ હરકત બાદ ફાયર એલાર્મ વાગ્યું હોત તો કદાચ ઈમરજન્સી લેન્ડિંગ કરવાનો વારો આવી શકત. એટલું જ નહીં આ સિગારેટના કારણે કદાચ આગ લાગી હોત તો મુસાફરી કરેલા તમામ લોકો મોટો મોટી મુશ્કેલી ઊભી થઈ શકી હોત.