સુરતમાં ગરબા રમતા યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટ એકટના બનાવોમાં વધારો થયો છે. તેમજ તાજેતરમાં જ સુરત, જૂનાગઢ અને જામનગરમાં ગરબાની પ્રેક્ટિસ કરતા લગભગ 3 જેટલા યુવાનો છાતીમાં દુઃખાવો ઉપડતા ઢળી પડ્યાં હતા અને તેમના તબીબોએ મૃત જાહેર કર્યાં હતા. દરમિયાન સુરતમાં પ્રિ-નવરાત્રિ મહોત્સવમાં ગરબા રમતા રમતા યુવાન ઢળી પડ્યો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં તેને તબીબોએ મૃત જાહેર કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના અડાજણ ખાતે એક હોલમાં પ્રિ-નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ મોદી નામનો યુવાન મિત્રો સાથે ગરબા રમી રહ્યો હતો. આ દરમિયાન યુવાન બેભાન થઈને ઢળી પડ્યો હતો. જેથી સ્થળ પર હાજર તેના મિત્રો સ્તબ્ધ થઈ ગયા હતા અને તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. યુવાન પુત્રનું આકસ્મિક સંજોગોમાં હાર્ટએટેકથી નિધન થતા સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. યુવાન આગામી ડિસેમ્બર મહિનામાં ઉચ્ચ અભિયાન માટે લંડન જવાનો હતો. જો કે, તે પહેલા જ તેનું નિધન થતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હવે નવરાત્રિ મહોત્સવને ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. નવરાત્રિ મહોત્સવને લઈને યુવાનો તૈયારીમાં જોડાયાં છે. બીજી તરફ છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટ એટેકના બનાવોમાં થયેલા વધારાને પગલે રાજ્યનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. તેમજ નવરાત્રિ મહોત્સવમાં આવા બનાવોને ધ્યાનમાં રાખીને વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી ચે.