Site icon Revoi.in

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં આદ આદમી પાર્ટી નહીં ઝંપલાવે !

Social Share

મુંબઈઃ મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા માટે ચૂંટણીનું બ્યુગલ વાગી ચુક્યું છે. રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીમાં જોતરાઈ છે. આ દરમિયાન આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા સમાચાર સામે આવ્યા છે. પાર્ટીએ ચૂંટણી લડવા અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. સૂત્રોનું કહેવું છે કે આમ આદમી પાર્ટી મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણી નહીં લડે. આમ આદમી પાર્ટી પોતાનું સંપૂર્ણ ફોકસ દિલ્હી ચૂંટણી પર રાખવા માંગે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ‘આમ આદમી પાર્ટી ઈન્ડિયા બ્લોકને મજબૂત કરવા પર ધ્યાન આપવા માંગે છે. જો કે મહારાષ્ટ્રમાં AAPનું રાજ્ય એકમ સંગઠનાત્મક વિસ્તરણ માટે કેટલીક બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે, તેમ છતાં તેને AAPના ટોચના નેતૃત્વની મંજૂરી મળવાની શક્યતા નથી. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે તેમનું ધ્યાન દિલ્હી પર છે.

11 ઓક્ટોબરના રોજ, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન) અને રાજ્યસભાના સાંસદ સંદીપ પાઠકે દિલ્હી ચૂંટણી માટે બૂથ તૈયારીઓ અંગે પાર્ટીના મુખ્યાલયમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. બેઠકમાં રાજ્યથી લઈને બૂથ સ્તર સુધીના પક્ષના અધિકારીઓએ ભાગ લીધો હતો. સંદીપ પાઠકે કાર્યકરો સાથે વાત કરી હતી. તેમણે કહ્યું, ‘આપ વિધાનસભા ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને દિલ્હીમાં પહેલાથી જ મજબૂત સંગઠનને વધુ મજબૂત કરવાની અને રાજ્યના દરેક બૂથને મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.’

તેમણે કહ્યું, ‘જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ ભાજપ ફરી એકવાર AAP વિરુદ્ધ કાવતરું કરશે.’ તેમણે દરેકને ભાજપની જાળમાં ન ફસાવા અને દિલ્હીના લોકો માટે કામ કરવાની તેમની રાજનીતિ પર ધ્યાન કેન્દ્રિત કરવા વિનંતી કરી.

અગાઉ, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે હરિયાણા ચૂંટણી પરિણામોમાંથી સૌથી મોટો પાઠ એ છે કે વ્યક્તિએ ક્યારેય વધારે આત્મવિશ્વાસ ન રાખવો જોઈએ. તેમણે પાર્ટી કાર્યકર્તાઓને આગામી વર્ષે દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે સખત મહેનત કરવા વિનંતી કરી. અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી 2025ની શરૂઆતમાં થવાની આશા છે. 2020ની વિધાનસભા ચૂંટણીમાં AAPએ 70માંથી 62 બેઠકો જીતી હતી અને ભાજપે આઠ બેઠકો જીતી હતી.