સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે ઈન્કમટેક્સ રિટર્ન દાખલ કરવા માટે પેન કાર્ડને આધાર નંબર સાથે જોડવું ફરજિયાત છે. જસ્ટિસ એ. કે. સિકરી અને જસ્ટિસ અબ્દુલ નજીરની ખંડપીઠે કહ્યું છે કે સુપ્રીમ કોર્ટ પહેલા જ આ મામલામાં ચુકાદો ફરમાવતા ઈન્કમટેક્સ કાયદાની કલમ-139-એએને યોગ્ય ઠેરવી ચુકી છે.
સુપ્રીમ કોર્ટે શ્રેયા સેન અને જયશ્રી સતપુડેની 2018-19ના ઈન્કમટેક્સ રિટર્ન પેન નંબરને આધારની સાથે જોડાયા વગર દાખલ કરવાની મંજૂરી આપવાના દિલ્હી હાઈકોર્ટના આદેશની વિરુદ્ધ કેન્દ્રની અપીલ પર આના સંદર્ભે નિર્દેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કહ્યું છે કે હાઈકોર્ટે આ તથ્યને ધ્યાનમાં રાખીને આ આદેશ આપ્યો હતો કે આ મામલો સુપ્રીમ કોર્ટમાં વિચારણા માટે વિલંબિત છે. બાદમાં સુપ્રીમ કોર્ટે આ મામલામાં ગત વર્ષ 26 સપ્ટેમ્બરે ચુકાદો આપ્યો હતો અને ઈન્કમટેક્સના કાયદાની કલમ-139-એએને યથાવત રાખી છે. જેને કારણે પેન નંબરથી આધારને જોડવું ફરજિયાત છે. કેન્દ્ર સરકારની અપીલનો નિપટારો કરતા સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે કર આકલન વર્ષ 2019-20 માટે ઈન્કમટેક્સ રિટર્ન સુપ્રીમ કોર્ટના ચુકાદાને અનુરૂપ દાખલ કરવું પડશે.
શું હતો આરોપ?
અરજદારોએ દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું હતું કે આદેશ છતા અને ઘણી કોશિશો કર્યા બાદ પણ તેઓ પોતાના રિટર્ન ફાઈલ કરાવી શક્યા નથી, કારણ કે ઈન્કમટેક્સ રિટર્નના ઈ-ફાઈલિંગ દરમિયાન આધાર નંબર અથવા આધાર એનરોલમેન્ટ નંબરને ઉપલબ્ધ કરાવવાનો વિકલ્પ જ આપવામાં આવતો નથી.
ઐતિહાસિક ચુકાદો
સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠે 26 સપ્ટેમ્બર-2018ના રોજ પોતાના ચુકાદામાં કેન્દ્રની આધાર યોજનાને બંધારણીય રીતે વૈદ્ય ગણાવતા કહ્યુ હતુ કે ઈન્કમટેક્સ રિટર્ન દાખલ કરવા અને પેન નંબરની ફાળવણી માટે આધાર ફરજિયાત હશે. જો કે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે બેંક એકાઉન્ટ, મોબાઈલ ફોન અને એડમિશન દરમિયાન આધાર નંબર આપવો જરૂરી નથી.