Site icon Revoi.in

સુરેન્દ્રનગર એસ.ટી.ડેપોએ એક સાથે 25 બસના રૂટ્સ બંધ કરતાં આપના કાર્યકર્તાઓએ કર્યા ધરણાં

Social Share

સુરેન્દ્રનગરઃ વડાપ્રધાનના કાર્યક્રમમાં મેદની એકઠી કરવા માટે સુરેન્દ્રનગર ડેપોની 25 એસટી બસો ફાળવવામાં આવી હતી.આથી એક સાથે 25 રૂટની બસો બંધ કરી દેવામાં આવી હતી. જેને લઇને પેસેન્જરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને ગામડાંના રૂટ્સ બંધ કરવામાં આવ્યા હતા. જેનો વિરોધ કરવા આમ આદમીના કાર્યકર્તાઓ એકઠા થયા હતા. અને સુરેન્દ્રનગર એસટી ડેપો ખાતે ઘરણા યોજીને વિરોધ કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાનના કાર્યક્રમમાં લોકોને લઈ જવા માટે સુરેન્દ્રનગર એસ.ટી.ડેપોની 25 બસ ફાળવવામાં આવી હતી. આથી જુદા જુદી રૂટ્સની  25  એસટી બસો એક સાથે બંધ હોવાની જાણકારી મળતા આપના નેતા અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ ખાતે દોડી ગયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા સ્થાનિક સાંસદ અને કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાને પણ ફોન કર્યો હતો. પરંતુ કેન્દ્રીય મંત્રી દ્વારા ફોન રિસિવ કરવામાં આવ્યો નહતો. ત્યારે આ મામલે આપના નેતાઓએ જિલ્લા કલેક્ટરને પણ ફોન કરીને રજુઆત કરી હતી.

આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડમાં જ ધરણા યોજ્યા હતા. ડેપો મેનેજર પણ જવાબ આપવા માટે હાજર રહ્યા નહતા.. ગ્રામીણ વિસ્તારમાં જતી એક સાથે 25 રૂટની બસો બંધ હાલતમાં હતી. જેને લઇને વિદ્યાર્થીઓ, સ્થાનિક લોકો અને મુસાફરી કરતા નોકરિયાત વર્ગને ભારે હાલાકી વેઠવી પડી હતી. આમ આદમી પાર્ટીના નેતાઓ જે સમયે ડેપો મેનેજરને રજૂઆત કરવા કચેરીમાં પહોંચ્યા તે સમયે તમામ સ્ટાફ કચેરી છોડીને નાસી ગયો હોવાનું પણ આપના નેતાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતુ.

સુરેન્દ્રનગર એસટી ડેપોની 25 રૂટ્સની બસો વડાપ્રધાનના કાર્યક્રમમાં મોકલવામાં આવી હતી એટલે ગામડાંના ઘણાબધા રૂટ્સ બંધ કરવામાં આવ્યા હતા.આથી લોકોને પડતી હાલાકીને વાચા આપવા માટે સુરેન્દ્રનગર એસ.ટી.ડેપોમાં જ આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપવાસ આંદોલન પર અને ધરણાં પર ઉતરી ગયા હતા. તેમજ આ મામલે વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કર્યા હતા.  સ્થાનિક પોલીસ પણ આ મામલે ઘટનાસ્થળે આવી ગઈ હતી અને તમામ આમ આદમી પાર્ટીના નેતાઓની અટકાયત કરવામાં આવી હતી..