સુરતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાનને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી જીતવા માટે ખરાખરીના દાવ ખેલવામાં આવી રહ્યા છે.સુરત શહેરની પૂર્વ બેઠક પર ખરાખરીનો જંગ થાય એમ છે. કોંગ્રેસ તરફથી અસલમ સાઇકલવાલા, ભાજપ તરફથી સીટિંગ ધારાસભ્ય અરવિંદ રાણા અને આમ આદમી પાર્ટી તરફથી કંચન જરીવાલાએ ફોર્મ ભર્યું હતું. આવી સ્થિતિમાં કંચન જરીવાલાને જો 10થી 15 હજાર વોટ પણ મળે તો ભારતીય જનતા પાર્ટી માટે આ બેઠક પર જીતવું મુશ્કેલ બની જાય એમ છે. એને કારણે સામ-દામ-દંડના ભેદની નીતિ અપનાવવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલાને ભાજપના ગુંડાઓ ઉઠાવી ગયા હોવાનો આપના ઈસુદાન ગઢવીએ આક્ષેપ કર્યા બાદ કંચન જરીવાલાએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચતાં નાટકીય ડ્રામા સર્જાયો હતો..
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં એક તરફ વિધાનસભા ચૂંટણી માટેની ઉમેદવારી નોંધાવા માટે ધસારો છે તે સમયે જ સુરતની પૂર્વ વિધાનસભા બેઠકમાં આજે આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરિવાલા પહેલા ‘ગુમ’ થયા હતા અને બાદમાં આજે તેઓએ ચૂંટણી અધિકારી સમક્ષ પહોંચીને પોતાનું ઉમેદવારી પત્રક પાછુ ખેંચી લીધું હતું. સુરતની પૂર્વ વિધાનસભા બેઠકમાં પાટીદારોનો જંગ છે અને તેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરિવાલા સક્ષમ ગણાતા હતા પરંતુ અચાનક જ ગઇકાલે તેઓ ગુમ થઇ ગયા હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીએ કર્યો હતો અને આજે સવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ટવીટ કરીને ભાજપ ગુજરાતમાં ડરી ગયું છે અને આપના ઉમેદવારોને ફોર્મ પાછા ખેંચી લેવા માટે દબાણ કરી રહ્યો છે તેવો આક્ષેપ કર્યો હતો અને ત્યારબાદ નાટ્યાત્મક દ્રશ્યોમાં કંચન જરિવાલા સુરત પૂર્વ બેઠકના ચૂંટણી અધિકારી સમક્ષ પહોંચી ગયા હતા અને પોતાનું ઉમેદવારી પત્રક પાછુ ખેંચી લીધું હતું જેના કારણે ભાજપ આ બેઠકમાં વધુ મજબૂત બન્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટીના પ્રવક્તા અને ગુજરાતમાં પક્ષનું ચૂંટણી સંકલન કરી રહેલા સાંસદ રાઘવ ચઢ્ઢાએ આક્ષેપ કર્યો કે ભાજપના ગુંડાઓ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીથી એટલા ડરેલા છે કે અમારા સુરત પુર્વના ઉમેદવારનું અપહરણ કરીને તેમની ઉમેદવારી પાછી ખેંચી લેવા ફરજ પાડી છે. પરંતુ ગુજરાતની જનતા ભાજપની આ ગુંડાગીરીનો જવાબ આપશે અને આમ આદમી પાર્ટીને વિજેતા બનાવશે. સુરતમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જબરો જંગ છે અને મહાનગરપાલિકાના પરિણામો સમયે જે રીતે આપ દ્વારા 27 બેઠકોમાં વિજય મેળવ્યો હતો ત્યાર બાદ અહીં પાટીદાર વિસ્તારોમાં આપની ટક્કર વધી છે.