અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે રાજકીય પાર્ટીઓમાં ચૂંટણી પ્રચારનો ધમધામાટ શરૂ થઈ ગયો છે. કેન્દ્રિય નેતાઓના ગુજરાતમાં આંટાફેરા પણ વધી રહ્યા છે. બુધવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજકોટ આવ્યા હતા. જ્યાં સાંજે શાસ્ત્રીમેદાનમાં જંગી સભા સંબોધી હતી. તેમના આ એકદિવસીય પ્રવાસથી અન્ય પાર્ટીના રાજકીય આગેવાનોમાં હલચલ મચી હતી. ત્યારે હવે ફરીવાર કેજરીવાલ આગામી તા. 15મી મેના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનભાની ચૂંટણીને લક્ષ્યમાં રાખીને આમ આદમી પાર્ટીએ પ્રચારનો ધમધમાટ શરૂ કર્યો છે. રાજકોટમાં અરવિંદ કેજરિવાલને મળેલા રિસ્પોન્સ બાદ હવે ફરીવાર 15મી મેના રોજ કેજરિવાલ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. અમદાવાદમાં આમ આદમી પાર્ટીની યાત્રાનો પ્રારંભ કરાવશે. બુધવારે સાંજે રાજકોટમાં જંગી સભાને સંબોધ્યા બાદ કેજરિવાલે રાત્રીના ઇન્દ્રનીલ રાજયગુરૂના નિવાસસ્થાને ભોજન કર્યુ હતું. જેમાં આપના આગેવાનો પણ જોડાયા હતા. અરવિંદ કેજરીવાલે ભોજનમાં લાડુ-ઢોકળા-શાક-રોટલી સહિત કાઠિયાવાડી ભોજનનો સ્વાદ માણ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ જે રીતે પ્રચાર-પ્રસાર શરૂ કર્યો છે. તે રીતે ભાજપ અને કોંગ્રેસના નેતાઓને વિચારતા કરી દીધા છે. અરવિંદ કેજરિવાલ ભાજપની સ્ટાઈલ અપનાવીને પ્રચાર કરી રહ્યા છે. અને તેનો ટાર્ગેટ ભાજપ પર વધુ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સૌથી વધુ મતદારો યુવા વર્ગના છે. ત્યારે યુવાનોને આપ તરફ આકર્ષવા માટે ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. હવે ભાજપની સ્ટાઈલથી ગુજરાતમાં યાત્રાઓ યોજવાનું આયોજન કરાયું છે. અને યાત્રા ગામે ગામ ફરશે. જેમાં ગુજરાતના મહત્વના નગરોમાં કેજરીવાલ પણ આવશે અને સભા સંબોધશે.