Site icon Revoi.in

આમીરખાનના પુત્ર જુનૈદની પ્રથમ ફિલ્મ પર રિલિઝ પહેલાજ લાગ્યુ ગ્રહણ, ગુજરાત હાઇકોર્ટે મુક્યો સ્ટે

Social Share

મિસ્ટર પરફેક્શનિસ્ટ એટલે કે આમીર ખાનના પુત્ર જુનૈદ ખાનની પહેલી ફિલ્મ ‘મહારાજ’ આજે નેટ ફ્લિક્સ પર રીલિઝ થવાની હતી. પરંતુ હવે એવું લાગે છે કે જુનૈદની કારકિર્દી પર શરૂઆતથી ગ્રહણ લાગી રહ્યું છે. ગુજરાત હાઈકોર્ટે ‘મહારાજ “ની રિલીઝ પર રોક લગાવી દીધી છે. જુનૈદ આ ફિલ્મથી પોતાની કરિયરની શરૂઆત કરવાના હતા.

18 જૂન સુધી રોક લગાવવાનો આદેશ

કોર્ટે હવે ફિલ્મ પર 18 જૂન સુધી રોક લગાવવાનો આદેશ આપ્યો છે. ગઇકાલે તાત્કાલિક આવશ્યકતા પર પુષ્ટિ માર્ગી વૈષ્ણવ સંપ્રદાયના ભક્તો અને અનુયાયીઓએ ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. સંપૂર્ણ સુનાવણી પછી, ગુજરાત હાઈકોર્ટે બ્રોડકાસ્ટિંગ ઓથોરિટી, સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન અને મહારાજના નિર્માતા યશરાજ ફિલ્મ્સ, ઓટીટી નેટફ્લિક્સને નોટિસ મોકલીને તેને 18/6 એ પરત કરવા કહ્યું છે, અને ત્યાં સુધી કોર્ટે ફિલ્મની ઓટીટી રિલીઝ પર રોક લગાવી દીધી છે.

શું છે અરજદારોની દલીલ

અરજદાર ભરત મંડાલિયા અને અન્યોએ આ અરજી દાખલ કરી છે. તેમનું પ્રતિનિધિત્વ વકીલ મિહિર જોશી અને કેયુર ગાંધીએ કર્યું છે. તેમણે ન્યાયાધીશને કહ્યું કે બોમ્બેની સર્વોચ્ચ અદાલતના બ્રિટિશ ન્યાયાધીશો દ્વારા લેવામાં આવેલો નિર્ણય હિંદુ ધર્મની નિંદા કરે છે. ભગવાન કૃષ્ણ તેમજ ભક્તિ ગીતો વિરુદ્ધ ગંભીર નિંદનીય ટિપ્પણીઓ પણ કરે છે. અમે ફિલ્મ નિર્માતાઓને તેની રજૂઆત પહેલાં ફિલ્મનું ખાનગી સ્ક્રિનિંગ કરવાની વિનંતી કરી હતી, પરંતુ કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો.

કોઈ પ્રમોશનલ ઇવેન્ટ નહીં

આ સાથે, ફિલ્મ પર કોઈ ટ્રેલર અથવા કોઈ પ્રમોશનલ ઇવેન્ટ કરવામાં આવી ન હતી, જેથી કથા વિશેની માહિતી જાણી શકાય. જો આ ફિલ્મને રિલીઝ કરવાની મંજૂરી આપવામાં આવે તો લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી શકે છે. અરજદાર વતી એવી પણ દલીલ કરવામાં આવી છે કે તેમણે માહિતી અને પ્રસારણ મંત્રાલયને ફિલ્મની રજૂઆત રોકવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે, પરંતુ કોઇ પ્રતિક્રિયા આવી નથી

ગુજરાત હાઈકોર્ટના જજ સંગીતા વિશેને સમગ્ર વાત સાંભળ્યા બાદ ફિલ્મની રિલીઝ પર રોક લગાવી દીધી છે. આ અંગે નિર્માતાઓ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.