Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરની પેરા ક્રિકેટ ટીમના કેપ્ટન આમિર લોનની ઉદ્યોગપતિ ગૌત્તમ અદાણીએ કરી પ્રશંસા

Social Share

 નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરની પેરા ક્રિકેટ ટીમના કપ્તાન આમિર હુસેન લોનનો વીડિયો દેશના જાણીતા ઉદ્યોગપતિ ગૌત્તમ અદાણીએ સોશિયલ મીડિયામાં શેર કરીને ક્રિકેટરની પ્રશંસા કરી હતી. તેમજ અદાણી જૂથના અદાણી ફાઉન્ડેશન મારફતે તેમને તમામ પ્રકારની સહાય કરવાની તૈયારી દર્શાવી હતી.

જમ્મુ-કાશ્મીરના અનંતનાગના બિઝબેહરાના વાધામા ગામમાં રહેતા 34 વર્ષીય દિવ્યાંગ ક્રિકેટર આમિર લોન વર્ષ 2013થી ક્રિકેટ રમી રહ્યાં છે અને હાલ જમ્મુ-કાશ્મીરની પેરા ક્રિકેટ ટીમના કેપ્ટન છે. આમિર લોનના ક્રિકેટ પ્રત્યેના પેશનને એક શિક્ષિત પ્રભાવિત થયાં હતા અને પેરા ક્રિકેટ અંગે માહિતીગાર કર્યાં હતા. આમિર લોન પગનો ઉપયોગ કરીને બોલીંગ કરે છે અને ખભો અને ગરદનની મદદથી બેટ પકડીને બેટીંગ કરે છે. જ્યારે આમિર આઠ વર્ષના હતા, ત્યારે એક દુર્ઘટનામાં બંને હાથ ગુમાવ્યા હતા.

અદાણી ગ્રુપના ચેરમેન ગૌત્તમ અદાણીએ સોશિયલ મીડિયામાં જમ્મુ-કાશ્મીરની પેરા ક્રિકેટ ટીમના કેપ્ટન આમિર લોનનો વીડિયો શેર કર્યો છે. તેમજ લખ્યું છે કે, આમિરની સ્ટોરી ભાવુક કરનારી છે, અમે તેમની હિંમત, રમત પ્રત્યેની નિષ્ઠા અને વિપરીત પરિસ્થિતિમાં પણ હાર નહીં માનવાના તેમના દ્રઢ નિશ્ચયને પ્રણામ કરીએ છીએ. અદાણી ફાઉન્ડેશન આપનો આગામી દિવસોમાં સંપર્ક કરશે અને જરુરી તમામ મદદ પુરી પાડશે. આપનો સંઘર્ષ તમામ માટે પ્રેરણા સમાન છે.