સુરતના કતારગામમાં ભાજપ ચૂંટણી પંચ સાથે મળીને ધીમું મતદાન કરાવી રહ્યાનો આપ’નો આક્ષેપ
સુરતઃ ગુજરાતમાં 19 જિલ્લાની કુલ 89 બેઠકો માટે મતદાન આજે એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં ચાલી રહ્યું છે. બપોરે ત્રમ વાગ્યા સુધીમાં કોઈ અનિચ્છનિય બનાવ બન્યો નથી. તમામ મતદાન મથકો પર પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં કુલ 2.39 કરોડથી વધુ મતદારો નોંધાયેલા છે. આજે દિવસ દરમિયાન મતદાનની નાની-મોટી ફરિયાદો ચૂંટણી પંચને મળી હતી.
દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ ચૂંટણી પંચ પર મોટો આરોપ લગાવ્યો હતો. તેમના કહેવા મુજબ ચૂંટણી પંચ ભાજપ સાથે મળીને કતારગામમાં ધીમી ગતિએ મતદાન કરાવી રહ્યું છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ટ્વીટ કરીને ચૂંટણી પંચ પર સીધું નિશાન સાધ્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ આજે મતદાનના સમયે ઈવીએમમાં ક્ષતિ સર્જાયાની ફરિયાદો પણ ચૂંટણી પંચને મળી હતી. તેમજ ઘણા મતદાન મથકો પર ધીમી ગતિએ મતાદાન ચાલતું હોવાથી મતદારો લાઈનમાં ઊભા રહીને કંટાળી ગયા હતા. આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કરીને એવો આરોપ લગાવ્યો હતો કે કતારગામ વિધાનસભા સીટ પર ઈરાદાપૂર્વક મતદાનને ધીમુ કરવામાં આવી રહ્યું છે. જો ચૂંટણી પંચે માત્ર ભાજપના ગુંડાઓના દબાણમાં આ જ રીતે કામ કરવું છે તો પછી ચૂંટણી શા માટે કરો છો?
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગોપાલ ઈટાલિયાએ વર્ષ 2020માં આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કર્યો હતો. અગાઉ, AAPએ ઇટાલિયાને ગુજરાત એકમના ઉપપ્રમુખ બનાવ્યા હતા, પરંતુ ફેરફારો કર્યા પછી AAPએ તેમને રાજ્ય એકમના પ્રમુખ બનાવ્યા હતા. તેઓ છેલ્લા 2 વર્ષથી ગુજરાતમાં AAPનો ચહેરો છે. ગોપાલ ઇટાલિયા કતારગામ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ગોપાલ ઈટાલિયાનો મુકાબલો ભાજપના વિનોદ મોરડિયા અને કોગ્રેસના કલ્પેશ વરિયા સામે છે.