નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી (AAP)ના નેતા આતિશીએ સોમવારે દિલ્હીના આઠમા મુખ્યમંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો હતો. તેમણે શનિવારે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. હવે દિલ્હી વિધાનસભાનું સત્ર 26 અને 27 સપ્ટેમ્બરે યોજાશે. આતિશીએ કેજરીવાલ સરકારમાં 13 વિભાગોનો હવાલો જાળવી રાખ્યો છે, જેમાં શિક્ષણ, મહેસૂલ, નાણા, પાવર અને PWDનો સમાવેશ થાય છે.
ચાર્જ સંભાળ્યા પછી તેમણે કહ્યું હતું કે, “હું ચાર મહિના માટે દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકે કામ કરીશ, ભરતે ભગવાન રામના ખડાઉને સિંહાસન પર બેસાડીને કામ કર્યું હતું, તેજ રીતે હું કામ કરીશ. અરવિંદ કેજરીવાલે રાજીનામું આપીને રાજનીતિમાં ગૌરવનો દાખલો બેસાડ્યો છે. ભાજપે તેમની ઈમેજ ખરાબ કરવામાં કોઈ કસર છોડી નથી.
આતિષી મુખ્યમંત્રી કાર્યાલયમાં અલગ ખુરશી પર બેઠા હતા. આતિશી પછી સૌરભ ભારદ્વાજ પાસે નવા કેબિનેટમાં સૌથી વધુ આઠ વિભાગો છે, જેમાં આરોગ્ય, પર્યટન, કલા અને સંસ્કૃતિનો સમાવેશ થાય છે. મુકેશ અહલાવત, જેઓ પ્રથમ વખત કેબિનેટમાં સામેલ થયા હતા, તેમની પાસે શ્રમ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, રોજગાર અને જમીન અને મકાનોના વિભાગો છે. ગોપાલ રાયને વિકાસ, સામાન્ય વહીવટ, પર્યાવરણ અને વન વિભાગો આપવામાં આવ્યા છે જે તેઓ અગાઉ કેજરીવાલ સરકારમાં પણ હતા.
વાહનવ્યવહાર, ગૃહ, વહીવટી સુધારણા, મહિલા અને બાળ વિકાસ વિભાગો કૈલાશ ગેહલોત પાસે છે. આતિશીની આગેવાની હેઠળની નવી કેબિનેટ પાસે ફેબ્રુઆરીમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા આગામી થોડા મહિનામાં શરૂ થનારી પ્રોજેક્ટ્સ, યોજનાઓ અને નવી પહેલોની લાંબી યાદી છે.