દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને AAPએ બનાવી ખાસ રણનીતિ, 11 ઉમેદવારોના નામ જાહેર કર્યાં
નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે અને 23મી નવેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. જ્યારે હવે આગામી 3 મહિનામાં દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીને લઈને ચૂંટણીપંચ દ્વારા સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ રાજકીય પક્ષોએ અત્યારથી જ પોતાની તૈયારીઓના શ્રી ગણેશ કરી દીધા છે. દરમિયાન દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી (AAP) એ 11 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. છેલ્લી ત્રણ વિધાનસભા ચૂંટણીની જેમ આ વખતે પણ તે દિલ્હીમાં ભાજપ અથવા કોંગ્રેસને રાજકીય રીતે હરાવવા માંગતી હોવાથી અત્યારથી ઉમેદવારોની પસંદગીને તેઓ જે તે વિસ્તારમાં ગ્રાન્ડ લેવલથી પ્રચાર કરી શકે તેવી રણનીતિ તૈયાર કરી હોવાનું જાણકારો માની રહ્યાં છે.
આમ આદમી પાર્ટીએ ગુરુવારે (21 નવેમ્બર) દિલ્હી વિધાનસભા ચૂંટણી (AAP ઉમેદવારોની સૂચિ) માટે ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી હતી. આ યાદી અનુસાર છતરપુરથી બ્રહ્મસિંહ તંવર, કિરારીથી અનિલ ઝા, વિશ્વાસ નગરના દીપક સિંઘલા, રોહતાસ નગરની સરિતા સિંહ, લક્ષ્મી નગરથી બીબી ત્યાગી, બાદરપુરથી રામ સિંહ, સીલમપુરથી ઝુબેર ચૌધરી, સીમાપુરીથી વીર સિંહ ધીંગણ, ઘોંડાથી ગૌરવ શર્મા, કરવલ નગરથી મનોજ ત્યાગી અને મટિયાલાથી સોમેશ શૌકીનને ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે. આમ આદમી પાર્ટીએ પ્રથમ યાદીમાં એવા લોકોને ટિકિટ આપવામાં ઉદારતા દર્શાવી છે જેઓ છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન ભાજપ અને કોંગ્રેસમાં જોડાયા છે. આવા ઉમેદવારોમાં અનિલ ઝા, બીબી ત્યાગી, વીર સિંહ ધીંગાન અને સોમેશ શૌકીન સહિત છ નામ સામેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં AAPએ 70માંથી 62 બેઠકો જીતી હતી. ભાજપના ઉમેદવારો આઠ બેઠકો જીતવામાં સફળ રહ્યા હતા.