ભરૂચઃ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે દિવાળી પહેલા વન કર્મચારીને ધમકાવવાનો આરોપ લાગ્યો હતો. આ મામલે પોલીસ ફરિયાદ થયા બાદ ચૈતર વસાવા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. જ્યારે પોલીસે વસાવાના પત્નીની ધરપકડ કરી હતી. ત્યારબાદ ચૈતર વસાવાએ કોર્ટમાં આગોતરા જામીન માગ્યા હતા. પણ તેમની અરજી નામંજુર થતાં આખરે ચૈતર વસાવા રેલી સ્વરૂપે જઈને ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. ચૈતર વસાવાએ સરકાર સામે આક્ષેપ કર્યો હતો. કે, મારા પર ખોટા આરોપ લાગ્યા છે. મારી સામે ષડયંત્ર રચવામાં આવ્યું અને ષડયંત્રના ભાગ રૂપે મને ફસાવવામાં આવ્યો છે. હું અને મારો પરિવાર લડતા રહીશું. ન્યાય મળશે એવો ભરોસો છે.
ડેડીયાપાડાની જંગલની જમીન પર ખેડાણ મુદ્દે ડેડીયાપાડાના MLA ચૈતર વસાવા અને વનવિભાગના કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ જતા મામલો બિચક્યો હતો. આ દરમિયાન બીજા અન્ય લોકો સામે પણ બોલાચાલી થતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમની પત્ની અને P.A સામે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં અત્યાર સુધીમાં ચૈતર વસાવાના પીએ, તેમના પત્ની અને અન્ય વ્યક્તિની ધરપકડ કરાઈ હતી. 40 દિવસથી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરાર હતા. જે પોલીસ સમક્ષ હાજર થયા હતા. વનકર્મીઓને ધમકાવવા અને ફાયરિંગ કરવાના કેસમાં લાંબા સમયથી ફરાર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં હાજર થયા ત્યારે AAPના નેતા યુવરાજસિંહ જાડેજા અને મોટી સંખ્યામાં ચૈતર વસાવાના સમર્થકો ડેડિયાપાડા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે.કે, ચૈતર વસાવાએ આગોતરા જામીન માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી પરંતુ આ અરજી ફગાવી દેવામાં આવી હતી. ત્યારે બાદ પોલીસ સામે હાજર થવાની ફરજ પડી રહી છે. ધારાસભ્ય પર વનકર્મીને ઘરે બોલાવીને ધમકાવીને હવામાં ફાયરિંગ કરી 60 હજાર રૂપિયા પડાવી લેવાનો આરોપ છે.