Site icon Revoi.in

‘AAP’ના ધારાસભ્યને મની લોન્ડરિંગ કેસમાં કોર્ટે પાઠવ્યુ સમન્સ, 20મી હાજર રહેવા નિર્દેશ

Social Share

નવી દિલ્હીઃ રાઉઝ એવન્યુ કોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને દિલ્હી વક્ફ બોર્ડ મની લોન્ડરિંગ કેસમાં નોટિસ છતા હાજર ન થવા બદલ સમન્સ જારી કર્યા છે. કોર્ટે તેમને 20 એપ્રિલે કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે પીએમએલએની કલમ 50 હેઠળ સમન્સ પર હાજર થવામાં નિષ્ફળતા માટે એક્ટની કલમ 63 (4) સાથે વાંચી કલમ 174 IPC હેઠળ દાખલ કરાયેલી તાજેતરની ફરિયાદની નોંધ લીધી હતી.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દિલ્હી વક્ફ બોર્ડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં 5 માર્ચે રોઝ એવન્યુ કોર્ટમાં આમ આદમી પાર્ટીના ઓખલાના ધારાસભ્ય અમાનતુલ્લા ખાન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સમન્સ મોકલવા છતાં હાજર ન થવા બદલ ઈડીએ અમાનતુલ્લા ખાન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. આ સાંભળીને, રાઉઝ એવન્યુ કોર્ટે 9 એપ્રિલે AAP ધારાસભ્યને સમન્સ જારી કર્યા અને તેમને 20 એપ્રિલે કોર્ટમાં હાજર થવા કહ્યું. EDની આ અરજી પર સુનાવણી કર્યા બાદ કોર્ટે 6 માર્ચે જ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

કેન્દ્રીય તપાસ એજન્સી ED, જે દિલ્હી વક્ફ બોર્ડ માટે કર્મચારીઓની ભરતીમાં કથિત અનિયમિતતા સંબંધિત કેસમાં મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહી છે, તેણે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને અનેક સમન્સ જારી કર્યા હતા. જો કે, AAP ધારાસભ્ય કોઈપણ સમન્સ પર ED સમક્ષ હાજર થયા ન હતા. AAP ધારાસભ્યએ આ મામલે દિલ્હી હાઈકોર્ટનો પણ સંપર્ક કર્યો હતો. જો કે, દિલ્હી વક્ફ બોર્ડમાં ભરતી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેમની આગોતરા જામીન અરજી પણ ફગાવી દેવામાં આવી છે.