નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ અને દારૂ ગોટાળાના આરોપી સંજય સિંહ હવે જેલમાંથી બહાર આવી શકે છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે દારૂ ગોટાળા સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં તેમને જામીન આપવામાં આવે. જણાવવામાં આવે છે કે મામલાની સુનાવણી દરમિયાન ઈડીએ કહ્યું છે કે સંજય સિંહને જામીન આપવાથી તપાસ એજન્સીને કોઈ વાંધો નથી. તેના પછી જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ પી. બી. વારાલેની ખંડપીઠે સંજયસિંહને જામીન આપતા સ્પષ્ટ કર્યું છે કે કોર્ટે મેરિટના આધારે કંઈપણ વ્યક્ત કર્યું નથી. કોર્ટની ખંડપીઠે સ્પષ્ટ કર્યું છે કે જામીન પર રહેવા દરમિયાન સંજય સિંહ રાજકીય ગતિવિધિઓમાં સામેલ થઈ શકે છે.
આના પહેલા દારૂ ગોટાળામાં આરોપી સંજય સિંહની કસ્ટડીને લઈને સુપ્રીમ કોર્ટે ઈડીને સવાલ કર્યો હતો કે શું તેમને આગળ પણ કસ્ટડીમાં રાખવાની જરૂરત છે? સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે સંજયસિંહે 6 માસ જેલમાં પસાર કર્યા છે. તેમના પર જે બે કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ છે, તેનું પરીક્ષણ સુનાવણી દરમિયાન કરી શકાય છે. સુપ્રીમ કોર્ટે ઈડીને સવાલ કર્યો હતો કે શું તેને આગળ હવે સંજયસિંહની કસ્ટડીની વધુ જરૂરત છે? એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજૂએ ઈડી તરફથી વાત રજૂ કરી હતી. સુનાવણી દરમિયાન કોર્ટની ખંડપીઠે એસ. વી. રાજૂને લંચ પહેલા સવાલ કર્યો હતો કે સંજય સિંહને આગળ કસ્ટડીમાં રાખવાની જરૂરત છે? તેનો જવાબ તેમને લંચ બાદ આપવા માટે કહેવામાં આવ્યું હતું. જ્યારે બપોરે 2 વાગ્યે અદાલતની ખંડપીઠ બેઠી ત્યારે એસ. વી. રાજૂએ કહ્યુ કે મેરિટમાં ગયા વગર હું જામીનને લઈને રાહત આપું છું.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સંજય સિંહની જામીન અને ધરપકડને પડકારનારી અરજીઓ પર આજે દેશની સૌથી મોટી કોર્ટમાં સુનાવણી થઈ હતી. હવે સંજય સિંહને જામીન મળ્યા બાદ આમ આદમી પાર્ટીના નેતાઓએ જરૂર રાહતનો શ્વાસ લીધો હશે. કોર્ટમાં સુનાવણી દરમિયાન કોર્ટે ઈડીને તેમનો પ્રશ્ન પુછયો હતો. મહત્વપૂર્ણ છે કે દિલ્હીના કથિત દારૂ ગોટાળામાં આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ જેલમાં બંધ છે.
ઈડી આ ગોટાળામાં મની લોન્ડ્રિંગ હેઠળ તપાસ કરી રહી છે. તાજેતરમાં ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ કસ્ટડીમાં લીધા હતા. તેના પછી અરવિંદ કેજરીવાલ પણ તિહાડ જેલમાં બંધ છે. આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓના જેલમાં ગયા બાદથી પાર્ટીની મુશ્કેલીઓ સતત વધી રહી છે.
દિલ્હીના કથિત આબકારી નીતિ ગોટાળામાં સંજય સિંહને ઈડીએ 4 ઓક્ટોબર, 2023ના રોજ એરેસ્ટ કર્યા હતા. તપાસ એજન્સીનો દાવો છે કે 2021-22માં આવેલી દિલ્હીની દારૂ નીતિ સાથે સંબંધિત ગોટાળામાં સંજય સિંહ ગુનાની આવકને રાખવા એટલે કે લાંચ લેવા અને તેનો ઉપયોગ કરવામાં આરોપી છે.