INDI ગઠબંધનને મોટો આંચકો આપવાની તૈયારીમાં AAP! કેજરીવાલ કૉંગ્રેસથી નારાજ
નવી દિલ્હી: જેડીયુ અધ્યક્ષ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વિપક્ષી ઈન્ડી ગઠબંધનને બાય-બાય કરી દીધું. હવે ઈન્ડી ગઠબંધનના ઘટકદળો કોંગ્રેસને આંખો દેખાડી રહ્યા છે. ટીએમસી અધ્યક્ષ અને પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ બાદ હવે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ખાસા નારાજ દેખાય રહ્યા છે.
આમ આદમી પાર્ટી ગુજરાત, હરિયાણા અને ગોવા માટે લોકસભાના ઉમેદવારોના નામ નક્કી કરવા માટે 13 ફેબ્રુઆરીએ પોતાની રાજકીય મામલાની સમિતિની બેઠક કરશે. પાર્ટી સૂત્રને ટાંકીને મીડિયા અહેવાલમાં દાવો કરાયો છે.
આના પહેલા ઈન્ડી ગઠબંધનના સાથીદળ કોંગ્રેસ સાથે લાંબી બેઠક વહેંચણીની વાતચીતથી નિરાશાના સંકેત આપ્યા , આમ આદમી પાર્ટીએ ગુરુવારે આસામમાં ત્રણ લોકસભા બેઠકો પર ઉમેદવારની ઘોષણા કરી દીધી છે.
હવે સૂત્રનું કહેવું છે કે ગુજરાત, ગોવા અને હરિયાણા માટે ઉમેદવારોના નામ નક્કી કરવા માટે પાર્ટીની પીએસી 13 ફેબ્રુઆરીએ બેઠક કરશે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સંદીપ પાઠકે દિબ્રૂગઢથી પાર્ટી નેતા મનોજ ધનોહર, ગૌહાટીથી ભાભેન ચૌધરી અને સોનિતપુરથી ઋષિ રાજને ઉમેદવાર ઘોષિત કર્યા છે. સંદીપ પાઠકે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ છે કે પાર્ટીની પાસે ચૂંટણી પહેલા ઘણો ઓછો સમય બચ્યો છે. માટે તેણે નામ જાહેર કર્યા છે.
આ પહેલા આમ આદમી પાર્ટીના નેતાઓએ કહ્યુ હતુ કે પાર્ટી દિલ્હી, પંજાબ, હરિયાણા, ગુજરાત અને ગોવામાં બેઠક વહેંચણી મામલે કોંગ્રેસ સાથે વાતચીત કરી રહી છે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પહેલા જ ચૈતર વસવાને ગુજરાતની ભરૂચ બેઠક પરથી પાર્ટીના ઉમેદવાર જાહેર કરી ચુક્યા છે.