AAPએ કર્યું સ્વાતિ માલીવાલનું પ્રમોશન, દિલ્હી મહિલા પંચના પ્રમુખ રાજ્યસભામાં જશે
નવી દિલ્હી: દિલ્હીમાં રાજ્યસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ પોતાના ત્રણ ઉમેદવારોના નામ નક્કી કર્યા છે. આમ આદમી પાર્ટીએ દિલ્હી મહિલા પંચના અધ્યક્ષ સ્વાતિ માલીવાલને પ્રમોટ કરવાનો નિર્ણય કર્યો છે. માલીવાલને પહેલીવાર રાજ્યસભામાં મોકલવા માટે નામિત કરવામાં આવ્યા છે. સ્વાતિ માલીવાલ સિવાય સંજય સિંહ અને એન. ડી. ગુપ્તાને સતત બીજીવાર રાજ્યસભા મોકલવા માટે ઉમેદવાર બનાવાયા છે.
આમ આદમી પાર્ટીની રાજકીય મામલાની સમિતિએ શુક્રવારે ત્રણ નામો પર પોતાની મ્હોર લગાવી. દિલ્હીમાં રાજ્યસભાની ત્રણ બેઠકો પર 19 જાન્યુઆરીએ ચૂંટણી યોજાવાની છે. નામાંકનની પ્રક્રયા 3 જાન્યુઆરીએ શરૂ થઈ ચુકી છે. રાજ્યસભાના હાલના ત્રણ સાંસદોનો કાર્યકાળ 27 જાન્યુઆરીએ સમાપ્ત થઈ રહ્યો છે.
2018માં આમ આદમી પાર્ટીએ દિલ્હીથી સંજયસિંહ સિવાય સુશીલ ગુપ્તા અને નારાયણ દાસ ગુપ્તાને રાજ્યસભામાં મોકલ્યા હતા. સુશીલ ગુપ્તાની પાસે હવે હરિયાણાની જવાબદારી છે. પ્રદેશ પ્રમુખ તરીકે તેઓ આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં લાગેલા છે. સંજય સિંહ, સ્વાતિ માલીવાલ અને એનડી ગુપ્તાના નામ પર મ્હોર લાગવાથી એ નક્કી થઈ ગયું છે કે સુશીલ ગુપ્તાને ફરીથી રાજ્યસભામાં મોકલવામાં નહીં આવે અને તેમને હરિયાણામાં ફોક્સ કરવાનું કહેવાયું છે.
રાજ્યસભા ઉમાદવાર બનાવવાના ઘટનાક્રમ વચ્ચે શુક્રવારે સ્વાતિ માલીવાલે દિલ્હી મહિલા પંચના પ્રમુખ તરીકેના આઠ વર્ષના પોતાના કામકાજનો લેખાજોખા પણ રજૂ કર્યો છે. સ્વાતિ માલીવાલે કહ્યું છે કે તેમની ટીમે ગત 8 વર્ષોમાં મહિલાઓની સાથે જોડાયેલા અંદાજે 1.7 લાખ મામલાને જોયા. ગત પંચના કામની સરખામણીએ 700 ટકા વધુ મામલા નોંધાયા.
આમ આદમી પાર્ટીએ જેલમાં બંધ સંજય સિંહને પણ રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કર્યો છે. સંજય સિંહ રાજ્યસભામાં મુખરતાથી અલગ-અલગ મુદ્દાઓને ઉઠાવતા રહ્યા છે. જોકે ગત વર્ષ ઓક્ટોબરમાં તેમને દિલ્હીના કથિત શરાબ ગોટાળાના મામલામાં મની લોન્ડ્રિંગ સંદર્ભે એરેસ્ટ કરવામાં આવ્યા. તે ત્યારથી જેલમાં બંધ છે. શુક્રવારે કોર્ટે તેમને નામાંકન દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવાની મંજૂરી આપી.