અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ગુજરાતમાં મહિલાઓ પર વધી રહેલા અત્યાચારના વિરોધમાં આમ આદમી પાર્ટીના મહિલા મોરચા દ્વારા પ્રતિકાત્મક મોં પર કાળી પટ્ટી બાંધી AAP ગુજરાત પ્રદેશ કાર્યાલયથી ગાંધી આશ્રમ સુધી મૌન રેલીનુ આયોજન કરવામાં આવ્યું હતું. જો કે પદયાત્રાની પોલીસ પરમિશન ન હોવાથી પ્રદેશ કાર્યાલય ખાતે મોટો પોલીસ કાફલો ગોઠવી દેવાયો હતો. મહિલા દિવસે જ મહિલાઓના પોતાની સુરક્ષા માટે મૌન પદયાત્રા શરુ થાય તે પહેલા જ પ્રદેશ કાર્યાલયથી આમ આદમી પાટીઁ ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ ગૌરી દેસાઇ સહિત 30 જેટલી બહેનોની અટકાયત કરી નવરંગપુરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં મહિલાઓ પર અત્યાચારના બનાવો વધી રહ્યા છે. આજે મહિલા આંતરરાષ્ટ્રીય દિન નિમિત્તે આમ આદમી પાર્ટીની મહિલા પાંખ દ્વારા અમદાવાદમાં મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ ગૌરી દેસાઇએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીની મહિલા કાર્યકરો દ્વારા આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ગુજરાતમાં મહિલાઓ પર વધી રહેલા અત્યાચારના વિરોધમાં મોં પર કાળી પટ્ટી બાંધી ગાંધી આશ્રમ સુધી મૌન રેલીનુ આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ પોલીસનો દુરઉપયોગ કરનારી ભારતીય જનતા પાર્ટીની દમનકારી સરકારે તમામ પ્રકારની શરમ નેવે મુકી મહિલા દિવસે જ મહિલાઓના પોતાની સુરક્ષા માટે યોજાયેલી પદયાત્રાને રોકી અમારી અટકાયત કરી લીધી હતી. અટકાયત કર્યા બાદ મહિલાઓને નવરંગપુરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી.