અમદાવાદઃ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલની EDએ ગુરૂવારે રાત્રે ધરપકડ કરતાં તેના વિરોધમાં ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ અને સુરત સહિતના શહેરોમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ દેખાવો કર્યા હતા. અને ભાજપ વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યો હતો. અમદાવાદમાં આપ’ના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી તેમજ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. જ્યારે સુરત અને રાજકોટમાં પણ પોલીસે ટીંગાટોળી કરીને કાર્યકરોની અટકાયત કરી હતી.
સુરતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા વરાછાની મિની બજાર ખાતે વિરોધપ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેને પગલે વિરોધ કરી રહેલા 20થી વધુ AAP અને કોંગ્રેસના નેતાઓની ટીંગાટોળી સાથે અટકાયત કરી લેવામાં આવી હતી. આ સાથે વિરોધમાં જોડાયેલા કોંગ્રેસના લોકસભા ચૂંટણીના ઉમેદવારની પણ અટકાયત કરાઇ હતી. આ ઉપરાંત રાજકોટના કિસાનપરા ચોક ખાતે આમ આદમી પાર્ટીએ ઉગ્ર વિરોધ કર્યો છે. ટ્રાફિકથી વ્યસ્ત આ ચોક પર શરૂઆતમાં નારેબાજી બાદ રસ્તો રોકી દેવામાં આવતાં પોલીસે ટીંગાટોળી કરી 40થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી. અમદાવાદમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કરતા આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સહિત કાર્યકર્તાઓની અકટાયત કરવામાં આવી હતી.
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની 21 માર્ચની સાંજે ED દ્વારા દારૂ નીતિ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. કેજરીવાલે ED લોકઅપમાં રાત વિતાવી હતી. ગુજરાતમાં અમદાવાદ, સુરત અને રાજકોટ સહિત શહેરોમાં આમ આદમી પાર્ટી દ્વારા કેજરીવાલની ધરપકડની વિરોધમાં દેખાવો કરાયા હતા. પોલીસને પહેલાંથી જાણ હોવાથી મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો.આપ’ અને કોંગ્રેસના વિરોધમાં વિવિધ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ‘જબ જબ ભાજપ ડરતી હૈ તબ ઇડી કો આગે કરતી હૈ’, ‘ભાજપ હાય હાય’ જેવાં બેનરો સાથે વિરોધ કરી રહેલા કાર્યકરોને ટીંગાટોળી કરીને પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી. સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી પણ વિરોધમાં જોડાતાં તેમની પણ અટકાયત કરી લેવામાં આવી હતી.