Site icon Revoi.in

ભાજપના ડરથી ઉમેદવારી પાછી ન ખેંચે તે માટે આપ’ના ઉમેદવારોને સોમનાથ લઈ જવાયા

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવા માટે રાજકીય પક્ષો દ્વારા અવનવા દાવ ખેલવામાં આવતા હોય છે. સુરતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારે ફોર્મ ભર્યા બાદ ઉમેદવારી પાછી ખેંચવાના છેલ્લા દિવસે ઉમેદવારી ફોર્મ પાછું ખેચી લેતા આમ આદમી પાર્ટી માટે અવઢવભરી સ્થિતિ ઊભી થઈ હતી. આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો હતો કે, ભાજપ દ્વારા શામ,દામ અને દંડ, ભેદની નીતિ અપનાવવામાં આવી રહી છે. અન્ય બેઠકો પર પણ ભાજપ આવો ખેલ ન પાડે તે માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને તાલીમ આપવાના બહાને સોમનાથ લઈ જવામાં આવ્યા હતા. આજે સોમવારે બીજા તબક્કની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. એટલે ઉમેદવારી ફોર્મ પરત ખેચવાનો સમય પૂર્ણ થયા બાદ ઉમેદવારોને પોતાના વિસ્તારમાં મોકલાશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી માટેના ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ હતો. ત્યારે ઉમેદવારો ગુમ થવાની કે ઉમેદવારી પત્ર પાછું ખેંચી લેવાની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે બાબતે સતર્ક થયેલી આમ આદમી પાર્ટી ઉમેદવારોને સોમનાથ લઈ ગઈ હતી. થોડા દિવસ પૂર્વે જ સુરતની પૂર્વ વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ અચાનક ગુમ થઈ ગયા હતા અને પરત આવ્યા બાદ પોતાનું ઉમેદવારી પત્રક પાછું ખેંચ્યું હતું. આ બાબતથી સતર્ક થયેલી આમ આદમી પાર્ટી બીજા તબક્કાના ઉમેદવારી પત્ર ભરનારા ઉમેદવારોને સોમનાથ લઈ ગઈ હતી. ઉમેદવારોને સોમનાથ લઈ જવા બાબતે ખુલાસો કરતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, પાર્ટીના ઉમેદવારોને તાલીમ આપવા માટે સોમનાથ લાવવામાં આવ્યા છે.
આ ઉપરાંત અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતની વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં જોડાઈ ગયા છે. રવિવારે તેમણે પંચમહાલ જિલ્લાના હલોલમાં રોડ શો કર્યેા હતો.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાત વિધાનસભાની બીજા તબક્કામાં આવતી 93 બેઠકો માટે નામાંકન કરવાના અંતિમ દિવસે 1515 જેટલાએ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારબાદ આ તમામ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવતા 493 જેટલા ઉમેદવારો ઉમેદવારી માટે અયોગ્ય પુરવાર થતા બીજા તબક્કા માટે 1112 જેટલા ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. આજે સોમવારે  ઉમેદવારીપત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે સમગ્ર ચિત્ર સ્પષ્ટ્ર થઈ જશે. મોટાભાગની બેઠકો પર ત્રિકોણીયો જગં જામશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બીજા તબક્કાની ચૂંટણીમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુરની 93 બેઠકોનો સમાવેશ થાય છે. આ તમામ બેઠકો પર ઉમેદવારોએ ફોર્મ ભરવાના અંતિમ દિવસે દોડ લગાવી હતી અને છેલ્લીઘડીએ ફોર્મ ભરવાને લઈને ઉમેદવારોએ ધસારો કર્યેા હતો. જેને ધ્યાનમાં રાખીને કચેરીઓમાં ઉમેદવારોને ટોકન આપવામાં આવ્યા હતા