અમદાવાદઃ છ કોર્પોરેશનની ચૂંટણીમાં મતગણતરી ચાલી રહી છે. તેમજ તમામ કોર્પોરેશનમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટી અને એવૈસીની પાર્ટીએ પણ ગુજરાતના રાજકારણમાં પ્રવેશ કર્યો છે. સુરતમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટે કી ટક્કર જેવો માહોલ સર્જાયો છે. આમ આદમી પાર્ટીના ચાર ઉમેદવારોની જીત થઈ હોવાનું જાણવા મળે છે. જ્યારે 10 બેઠકો ઉપર આપના ઉમેદવારો આગળ ચાલી રહ્યાં છે.
બપોરના 12 વાગ્યા સુધીમાં મત ગણતરીના આંકડા ઉપર નજર કરીએ તો રાજકોટમાં બીજેપીએ 24 બેઠકો પર જીત મેળવી છે. રાજકોટમાં ભાજપના ઉમેદવારોની જીત થતા ઠેર-ઠેર કાર્યકરો અને નેતાઓ દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી રહી છે. જામનગરમાં 11 બેઠકો ઉપર ભાજપ અને એક બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ હોવાનું જાણવા મળે છે. આવી જ રીતે ભાવનગરમાં ભાજપની 15 અને કોંગ્રેસનો એક બેઠક ઉપર વિજય થયો હોવાનું જાણવા મળે છે.
અમદાવાદમાં પણ અનેક વોર્ડમાં ભાજપના પેનલો જીતી છે. અત્યાર સુધીમાં 20 બેઠકો જીતી હોવાનું જાણવા મળે છે. જ્યારે 3 બેઠકો ઉપર કોંગ્રેસની જીત થઈ હોવાનું જાણવા મળે છે. આમ મોટાભાગના કોર્પોરેશનમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેના ઉમેદવારો વચ્ચે જંગ ચાલી રહી છે. જો કે, સુરત કોર્પોરેશનમાં ચિત્ર કંઈક અલગ છે. અહીં ભાજપ અને કોંગ્રેસને આમ આદમી પાર્ટી પણ ટક્કર આપી રહી છે. ચાર બેઠકો ઉપર ભાજપની જીત થઈ છે. જ્યારે ચાર બેઠકો ઉપર આપના ઉમેદવારો વિજયી થયાં છે. તેમજ 10 બેઠકો ઉપર આપના ઉમેદવારો આગળ ચાલી રહ્યાં છે. સુરતમાં પાટીદારોના ગઢ ગણાતા વોર્ડમાં આપ આગળ ચાલી રહ્યું છે. જામનગરમાં બીજેપીએ 12 સીટ. કૉંગ્રેસે 5 સીટ, બીએસપીએ 3 બેઠકો પર જીત મેળવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છ કોર્પોરેશનની 576 બેઠકો ઉપર 2276 જેટલા ઉમેદવારોએ ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું હતું. આજે ઉમેદવારોના ભાવી ઉપર તમામ રાજકીયપક્ષોની નજર મંડાયેલી છે.