Site icon Revoi.in

આપ’ના ગોપાલ ઈટાલિયાને ગૃહ વિભાગે હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન આપ્યું

Social Share

અમદાવાદઃ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ તરીકે અનેક પોલીસ કર્મચારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. જોકે, ગૃહ વિભાગે પ્રમોશનમાં એક મોટો છબરડો કર્યો હતો. આમ આદમી પાર્ટીના નેતા અને વર્ષો પહેલા ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા ગોપાલ ઇટાલિયાને પણ પ્રમોશન આપવામાં આવ્યું છે. ગોપાલ ઇટાલિયા 2015માં જ ગુજરાત પોલીસમાંથી રાજીનામું આપી ચુક્યા છે તેમ છતાં પણ તેમનું નામ પ્રમોશન લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું છે.

આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. ગોપાલ ઈટાલિયાએ ગૃહ મંત્રાલયના ગંભીર છબરડા પર સવાલો કર્યા છે. એક સમયે ગુજરાત પોલીસમાંથી રાજીનામું આપી ચૂકેલા ગોપાલ ઈટાલિયાને ગુજરાત પોલીસે પ્રમોશન આપ્યું છે. આ સાથે જ તેમણે પ્રમોશનના લિસ્ટમાં પોતાના નામ સાથેની ટ્વિટ કરી હતી.

ગોપાલ ઈટાલિયાએ ટ્વિટ કરીને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, વર્ષ-2015માં ગુજરાત પોલીસમાંથી મેં રાજીનામું આપ્યું હોવા છતાંય વર્ષ-2024માં કોન્સ્ટેબલથી હેડકોન્સ્ટેબલના પ્રમોશન લિસ્ટમાં ક્રમ નંબર-726 પર મારું નામ સામેલ કરીને મને હેડકોન્સ્ટેબલનું પ્રમોશન આપવા બદલ ગૃહમંત્રી હર્ષ સંઘવીનો આભાર માનું છું. આ ટ્વીટમાં હર્ષ સંઘવી પર ઈટાલિયાએ કટાક્ષ કર્યા હતા.

આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ આ મામલે ગૃહમંત્રી પર કટાક્ષ કર્યો હતો. ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર પોસ્ટ કરતા લખ્યુ, ” હર્ષ સંઘવીનો કાલાજાદુ. વર્ષ 2015માં ગુજરાત પોલીસમાંથી મેં રાજીનામું આપ્યું હોવા છતાંય વર્ષ 2024માં કોન્સ્ટેબલથી હેડકોન્સ્ટેબલના પ્રમોશન લિસ્ટમાં ક્રમ નંબર-726 પર મારૂં નામ સામેલ કરીને મને હેડકોન્સ્ટેબલનું પ્રમોશન આપવા બદલ આઠ પાસ ગૃહમંત્રી હર્ષ સંઘવીનો આભાર માનું છું.”

આ સમાચાર અંગે અમદાવાદ પોલીસે સ્પષ્ટતા કરી છે, કે, તાજેતરમાં અમદાવાદ શહેરમાં 137 કોન્સ્ટેબલોને એએસઆઈ તરીકે બઢતી આપવામાં આવી હતી. બઢતી માટે 887 નામો રૂટિન મુજબ વિગતો મંગાવવામાં આવી હતી. કર્માચારીઓ સામે કોઈ ખાતાકીય તપાસ નથીને તેની વિગતો પણ માગવામાં આવી હતી. આ યાદીમાં 11.01 2012 સુધીમાં ફરજ બજાવતા કર્મચારીઓનો  સમાવેશ  થતો હોવાથી ગોપાલ ઈટાલિયા 1012માં ફરજ બજાવતા હોવાથી યાદીમાં તેમનું નામ હતું પણ તેમના નામ સામે કોઈ પોલીસ સ્ટેશન દર્શાવવામાં આવ્યું નથી. ગોપાલ ઈટાલિયાને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી નથી તે સ્પષ્ટ થાય છે.