Site icon Revoi.in

આપ’ના કેજરિવાલને ગુજરાત ગમી ગયું, હવે મહિનામાં ચારવાર ચૂંટણી પ્રચાર માટે આવશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે પાંચ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે દિલ્હીના નેતાઓના ગુજરાતમાં આંટાફેરા વધી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકામાં વધારો થઈ રહ્યો છે, બીજીબાજુ આમ આદમી પાર્ટીના વડા અને હિલ્હીના મુખ્યમંત્રી કેજરિવાલ પણ હવે દર અઠવાડિયે ગુજરાતની મલાકાતે આવી રહ્યા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં આમ આદમી પાર્ટીએ તો ભાજપની સ્ટાઈલથી જ પ્રચાર અભિયાન શરૂ કરી દીધુ છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતની મુલાકાતો લઈ રહ્યાં છે. 26 જુલાઈએ કેજરિવાલે સોમનાથ મહાદેવજીના દર્શન કર્યા હતાં. ત્યાર બાદ તેમણે રાજકોટમાં વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો. હવે ફરીવાર તેઓ ઓગસ્ટની 1, 6, 7 અને 10 તારીખે ગુજરાત આવશે. સોમનાથમાં જંગી સભાને સંબોધશે.

સૂંત્રોના જણાવ્યા મુજબ આમ આદમી પાર્ટી શહેરી વિસ્તારમાં ખાસ ધ્યાન આપી રહી છે. શહેરી વિસ્તાર આમ તો ભાજપન ગઢ ગણાય છે. આમ આદમી પાર્ટી પ્રથમ રાજકોટમાં જોર લગાવ્યું છે. તાજેતરમાં જ કેજરિવાલનો રાજકોટનો કાર્યક્રમ સફળ રહ્યો હતો. તેમણે નાના ઉદ્યોગકારો અને વેપારીઓ સાથે ગોષ્ઠિ કરી હતી. અને તેમણે વેપારીઓ અને ઉદ્યોગકારોને 5 ગેરંટી આપી હતી કે, જો અમારી સરકાર ગુજરાતમાં આવશે તો અમે તમને વચન આપીએ છીએ કે આ પાંચ કાર્યો પહેલા કરીશું. જેમાં પ્રથમ તો ભયનું વાતાવરણ ખતમ કરીશું, નિડરતાથી વેપારી-ઉધોગપતિ કામ કરી શકે તેવું વાતાવરણ બનાવીશું, દરેક વેપારી-ઉધોગપતિને ઇજ્જત આપીશું. સિસ્ટમમાં ભ્રષ્ટાચાર નાબૂદ કરીશું. GSTના રિફંડ છ મહિનામાં આપીશું. GST અંગેની ગૂંચવણોને દૂર કરીશું અને વેપારી-ઉધોગપતિઓને ભાગીદાર બનાવીશું, તેમના સૂચનો લેશું અને સમસ્યાઓનો હલ કરીશું.

.રાજકોટની મુલાકાત પહેલા કેજરિવાલે સુરતની મુલાકાત લીધી હતી. જેમાં ત્યાં તેમણે એવી જાહેરાત કરી હતી કે, જો ગુજરાતમાં આપની સરકાર આવશે તો પરિવારોને 300 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવશે. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, જે દિલ્હી અને પંજાબમાં કરવામાં આવ્યું, તે હવે અમે ગુજરાતમાં કરીશું. આમ કેજરિવાલ વચનો આપીને શહેરી મતદારોને આકર્ષિત કરી રહ્યા છે.