અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળેલા પ્રતિસાદ બાદ હવે આમ આદમી પાર્ટીની નજર ગુજરાત ઉપર મંડાયેલી છે. તાજેતરમાં જ દિલ્હીના મુખ્યમંત્રી અને આપના વડા અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યાં હતા. તેમજ આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં તમામ 182 બેઠકો ઉપર ઉમેદવારો ઉતારવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. હવે દિલ્હીના નાયબમુખ્યમંત્રી મનિષ સિસોદીયા ગુજરાતની મુલાકાતે આવશે. આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવી રહેલા સિસોદીયા સામાજીક આગેવાનો સાથે બેઠક કરીને આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને રણનીતિ તૈયાર કરે તેવી શકયતા છે.
સુત્રોના જણાવ્યા અનુસાર આમ આદમી પાર્ટીના નેતા મનિષ સિસોદીયા આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવશે. તેમજ મનિષ સિસોદીયા સુરતમાં સામાજિક કાર્યકર્તાઓ સાથે મીટિંગ કરશે. એટલું જ નહીં અનેક આગેવાનો AAPમાં જોડાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. આ ઉપરાંત તેઓ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના આગેવાનો સાથે બેઠક કરીને આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ચર્ચા કરે તેવી શકયતાઓ છે. આમ આપ દ્વારા અત્યાર જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ દેવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યાં હતા. આ દરમિયાન તેમણે પ્રદેશ કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું. તેમજ તેમની ઉપસ્થિતિમાં જ જાણીતા પત્રકાર ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાયાં હતા. આ ઉપરાંત વિજય સુવાળા, વસો તાલુકાના લવાલ ગામના સરપંત મહિતપસિંહ ચૌહાણ પણ આપમાં જોડાયા છે. આ ઉપરાંત ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમામ બેઠકો ઉપર ઉમેદવારો ઉભા રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.