અભી બોલા અભી ફોકઃ અખિલેશ યાદવે કોરોનાની રસીનો વિરોધ કર્યા બાદ હવે વેક્સિન લેવાની બતાવી તૈયારી
દિલ્હીઃ કોરોના મહામારીને નાથવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનેમાં કેન્દ્ર સરકાર દ્વારા રસીકરણ મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમજ અત્યાર સુધીમાં 20 કરોડથી વધારે લોકોએ કોરોનાની રસી લીધી છે. એટલું જ નહીં તજજ્ઞોએ પણ ભારતમાં બનેલી બંને રસી કોરોના સામે રક્ષણ આપતી હોવાનો દાવો કર્યો હતો. બીજી તરફ વિપક્ષ દ્વારા કોરોનાની રસી મુદ્દે કેન્દ્ર સરકાર ઉપર આકરા આક્ષેપ કરવામાં આવ્યાં હતા. ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સપાના નેતા અખિલેશ યાદવે પણ કોરોના રસીનો વિરોધ કર્યો હતો. જો કે, હવે અખિલેશ યાદવે યુ-ટર્ન લઈને રસી લેવાની તૈયારી દર્શાવી છે. એટલું જ નહીં લોકોને રસી લેવા માટે પણ સોશિયલ મીડિયા મારફતે અપીલ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભારતમાં જાન્યુઆરીમાં જ્યારે વેક્સિનેશનની શરૂઆત થઈ તે સમયે અખિલેશ યાદવે પોતાને બીજેપીની વેક્સિન પર વિશ્વાસ નહીં હોવાનું કહીને જ્યારે અમારી સરકાર આવશે તો તમામને ફ્રીમાં રસી આપવાની જાહેરાત અગાઉ કરી હતી. દરમિયાન પૂર્વ કેન્દ્રીય મંત્રી અને અખિલેશ યાદવના પિતા મુલાયમસિંહ યાદવે પણ તાજેતરમાં કોરોનાની રસી લીધી હતો. જેના ફોટા પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયાં હતા. જેથી ઉત્તરપ્રદેશના રાજકારણના ગરમાવો આવ્યો હતો. તેમજ યુપીના નાયબ સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ ટ્વીટ કર્યું હતું કે, મુલાયમ સિંહ યાદવે વેક્સિન લીધી તે એ વાતનું પ્રમાણ છે કે, અખિલેશ યાદવે વેક્સિનને લઈ અફવા ફેલાવી, અખિલેશએ આ માટે માફી માંગવી જોઈએ.
દરમિયાન ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ પોતાની ટ્વીટમાં લખ્યું હતું કે, જનાક્રોશને ધ્યાનમાં રાખીને આખરે સરકારે કોરોના વેક્સિનના રાજનીતિકરણના બદલે તેઓ જ વેક્સિનેશન કરાવશે. તેમજ કહ્યું હતું કે, અમે ભાજપની વેક્સિનના વિરોધમાં હતા પરંતુ ભારત સરકારની વેક્સિનનું સ્વાગત કરીને અમે પણ વેક્સિન લગાવીશું અને વેક્સિન શોર્ટેજના કારણે જેમણે રસી નહોતી લીધી તેમને પણ વેક્સિન લેવા વિનંતી કરીએ છીએ.