ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં આગામી તા.10મી જાન્યુઆરીથી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશ-વિદેશના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ગાંધીનગરમાં મેગા ઈવેન્ટ યોજાવાની હોવાથી શહેરના રોડ-રસ્તાઓને નવોઢાની જેમ શણગારવામાં આવી રહ્યા છે. ઉપરાંત રોડ સાઈડના 100થી વધુ છાપરા હટાવી દેવામાં આવ્યા છે. તેમજ રોડ પરના લારી-ગલ્લાઓ પણ હટાવવામાં આવી રહ્યા છે. આમ વાઈબ્રન્ટ સમિટને લઈને ગાંધીનગરની કાયાપલટ કરવામાં સરકારી તંત્ર રાત દિવસના ઉજાગરા કરી રહ્યું છે.
ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લીધે શહેરને રોશનીથી દુલ્હનની જેમ સજાવવા આવી રહ્યું છે. શહેરના બ્યુટીફિકેશનને ગ્રહણ લગાવનાર ગેરકાયદેસર લારી ગલ્લા, ઝુંપડા, બાંકડા, હોર્ડિંગ્સ હટાવવાની સાથે 24 ટન નાના-મોટા પથ્થરો પણ વીણી લેવામાં આવ્યા છે. શહેરની સાફ સફાઈથી માંડી રોડ રસ્તાનું સમારકામ, રંગબેરંગી ફૂલ છોડ વાવવા ઉપરાંત વીજળીના થાંભલા પણ ઝળહળતા કરી દેવાયા છે. વાઈબ્રન્ટ સમિટમાં આવનારા મહાનુભાવોમાં ગાંધીનગરની સ્વચ્છ, સુંદર અને વિકાસશીલ શહેરની છબી ઊભી થાય એ પ્રકારે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. શહેરના બ્યુટીફિકેશનને ગ્રહણ લગાડનારા ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી પણ પૂરજોશમાં શરૂ કરી દેવાઈ છે. ખાસ કરીને VIP મૂવમેન્ટ વાળા વિસ્તારોમાં દેશ-વિદેશના મહાનુભાવો આવવાના હોય તે રોડ ઉપરના દબાણ જેવા કે 213 લારી-ગલ્લા, 88 થાંભલા/થાંભલી, 79 ભૂંગળા, 643 હોર્ડિંગ્સ/બોર્ડ, 100 જેટલા છાપરાં, 70 લોખંડની ગ્રીલ, 11પાણીની પરબ, 33 બાકડા ઉપરાંત 24 ટન નાના-મોટા પથ્થરો પણ હટાવી લેવામાં આવ્યા છે.
પાટનગર ગાંધીનગરમાં આગામી તારીખ 10 થી 12 જાન્યુઆરી 2024 દરમિયાન યોજાનારા વાઈબ્રન્ટ ગુજરાત સમિટને લઈને તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ વખતની સમિટમાં કુલ 32 દેશના પ્રતિનિધિઓ ભાગ લેશે. જે અંતર્ગત 4 દેશોના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ પણ ઉપસ્થિત રહેશે. UAE, ચેક રિપબ્લિક, મોઝામ્બિક, તિમોર લેસ્ટના વડાઓ ગુજરાત આવશે, જ્યારે કે 18 પાર્ટનર દેશોના ગવર્નર અને મંત્રીઓ પણ હાજર રહેવાના છે. બીજી તરફ દેશના વડાપ્રધાન નરેંદ્ર મોદી પણ વાઈબ્રન્ટનું ઉદ્ઘાટન માટે ગાંધીનગર આવી રહ્યા છે.