ગાંધીનગરઃ ગુજરાતના મહાનગરોથી લઈને ગાંમડાની શાળાઓમાં શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી છે. શિક્ષકોની ખાલી જગ્યાઓને લીધે બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે સરકારે પ્રવાસી શિક્ષકોની ભરતી કરી હતી. અને નિયત કરેલું વેતન લેકચરદીઠ પ્રમાણે આપવામાં આવે છે. જેમાં ગાંધીનગર જિલ્લામાં 100 જેટલા પ્રવાસી શિક્ષકો છેલ્લા 6 મહિનાથી પગારથી વંચિત છે. કહેવાય છે. કે, શિક્ષણ વિભાગે પ્રવાસી શિક્ષકોના પગારની ગ્રાન્ટ સમયસર નહી મોકલતા છેલ્લા છ માસથી જિલ્લાના અંદાજે 100 જેટલા પ્રવાસી શિક્ષકોને પગાર મળ્યો નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યભરની શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવામાં નહી આવતા શાળાઓમાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યાએ પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી. નવા શૈક્ષણિક સત્રથી જ રાજ્યભરના તમામ જિલ્લાઓમાં પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી. જેમાં ગાંધીનગર જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં અંદાજે 100 જેટલા પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી. જોકે પ્રવાસી શિક્ષકોને લેક્ચર દીઠ નક્કી કરેલું વેતન આપવામાં આવે છે. જિલ્લામાં પ્રવાસી શિક્ષકોની ભરતી કર્યા બાદ તેઓના પગાર માટે કેટલા રૂપિયા ગ્રાન્ટની જરૂર પડશે સહિતની માહિતી રાજ્યના શિક્ષણ વિભાગે દરેક જિલ્લાઓ પાસેથી મંગાવવામાં આવી હતી. પ્રવાસી શિક્ષકોની ભરતીની સાથે સાથે દિવસ દરમિયાન કેટલા અને એક માસમાં કેટલા લેક્ચર લેવાશે.તેના આધારે કેટલો પગાર આપવામાં આવશે સહિતનો આંકડો જિલ્લા પ્રાથમિક શિક્ષણતંત્ર દ્વારા રાજ્યના શિક્ષણ વિભાગમાં મોકલવામાં આવ્યો હતો. તેના આધારે રાજ્યના શિક્ષણ વિભાગે પ્રથમ બે માસનો પગારની ગ્રાન્ટ જિલ્લાને મોકલવામાં આવી હતી. પગારની ગ્રાન્ટના આધારે જિલ્લાના અંદાજે 100 જેટલા પ્રવાસી શિક્ષકોને બે માસનો પગાર આપી દેવામાં આવ્યો હતો.ત્યારબાદ છેલ્લા 6 મહિનાથી પ્રવાસી શિક્ષકોને પગાર મળ્યો નથી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, પ્રવાસી શિક્ષકોને છ મહિનાથી કામ કર્યાનું મહેનતાણું ન મળતાં તેમની આર્થિક હાલત દયનીય બની છે. અસહ્ય મોંઘવારીમાં પરિવારનું ગુજરાન કેમ ચલાવવું તે મોટા પ્રશ્ન છે. આ માટે સરકાર યોગ્ય નિર્ણય લે તેવી માગ ઊઠી છે.(File photo)