- 28મી માર્ચથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ
- ધો-12 વિજ્ઞાનપ્રવાહના ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલુ
- વિદ્યાર્થીઓની સલામતિને લઈને તંત્ર સતર્ક
અમદાવાદઃ રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ મહિનાની 28 મી તારીખે બોર્ડની પરીક્ષા લેવામાં આવનાર છે. શિક્ષણ બોર્ડ દ્વારા વિધાર્થીઓના ફોર્મ ભરવાની કામગ્રીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ધોરણ 10 અને ધોરણ 12 ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ધો-10 અને 12 સામાન્ય પ્રવાહના લગભગ 14 લાખ જેટલા વિદ્યાર્થીઓ આગામી માર્ચ મહિનામાં પરીક્ષા આપશે.
સુત્રોના જણાવ્યા અનુસાર શિક્ષણ બોર્ડ દ્વારા ધો-10 અને 12ની પરીક્ષાને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. દિવાળી બાદ રાજ્યમાં બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની શરૂઆત કરાઈ હતી. ધોરણ 10માં લગભગ 9.70 લાખ તથા ધો-12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં બેસવા માટે 4.22 લાખ જેટલા વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યાં છે. હાલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં હાલ વિદ્યાર્થીઓની ફોર્મ ભરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે.
ગુજરાતમાં શિક્ષણ બોર્ડ દ્વારા પહેલા 14મી માર્ચથી ધો-10 અને 12ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, કોરોનાની પરીસ્થિતિને ધ્યાનમાં રાખીને પરીક્ષા બે સપ્તાહ પાછી ઠેલવામાં આવી હતી. હવે તા. 28મી માર્ચથી પરીક્ષાનો પ્રારંભ થશે. હાલ કોરોનાની ત્રીજી લહેર ચાલતી હોવાથી સ્કૂલોમાં ઓફલાઈન એજ્યુકેશન બંધ કરવામાં આવ્યું છે અને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. શિક્ષણ બોર્ડ હાલની કોરોનાની પરિસ્થિતિ ઉપર સતત નજર રાખી રહ્યું છે.