રાજકોટઃ સોમનાથ-રાજકોટ વચ્ચે રેલવે લાઈન પર ઈલેક્ટ્રિફિકેશનનું કામ પૂર્ણ થવાની તૈયારીમાં છે. આ કામ પૂર્ણ તયા બાદ રાજકોટ સોમનાથ વચ્ચે 16 જેટલી ટ્રેનોમાં ઈલેક્ટ્રિક એન્જિન જોડવામાં આવશે. તેથી ટ્રેનોની ઝડપમાં પણ વધારો થશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ- સોમનાથ વચ્ચે હાલ ડિઝલ સંચાલીત ટ્રેન દોડી રહી છે. જે આગામી દિવસોમાં ભુતકાળ બની જશે. કારણ કે આ આખી લાઈનનું ઈલેક્ટ્રીકેશન થઈ જશે. જેમની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. આ અંગેની મળતી વિગત મુજબ રાજકોટ- સોમનાથ વચ્ચે લગભગ 16 જેટલી ટ્રેન દોડી રહી છે. અને રાજકોટ તેમજ સોમનાથ જતા લોકો આસાનીથી અવરજવર કરી રહ્યાં છે. જો કે, હવે આ ટ્રેન ઈલેક્ટ્રિક થવા જઈ રહી છે. જ્યારે રાજકોટથી સોમનાથ વચ્ચે રેલવે ટ્રેકની પાસે જ પોલ ઉભા કરવામાં આવ્યા છે. વડાલ ગામ સુધી વાઈરીંગની કામગીરી પણ પૂર્ણ થઈ ચૂકી છે. અને લગભગ 2023માં આ ટ્રેન પાટા પર દોડતી હશે. આ ટ્રેનનાં કોચ નહીં બદલે કારણ કે એ તો રેલવે દ્વારા અપડેટ થતા જ હોય છે. માત્ર એન્જીન જ બદલવામાં આવશે. તેમજ આ ટ્રેનથી પર્યાવરણને પણ ફાયદો થશે.
આ અંગે વધુ વિગતો આપતા સ્ટેશન માસ્તરે કહ્યું હતું કે, સોમનાથમાં તો નવું રેલવે સ્ટેશન બની રહ્યું છે. અન્ય સ્ટેશનમાં કોઈ જ ફેરફાર કરવામાં આવશે નહીં. અને વર્તમાન ટ્રેન જે જગ્યા પર સ્ટોપ થઈ રહી છે. એ મુજબ જ ઈલેક્ટ્રીક ટ્રેન પણ સ્ટોપ કરશે. હાલ રાજકોટ- સોમનાથ વચ્ચે દોડતી ટ્રેનમાં મુસાફરીના જે દર છે એ દરમાં પણ હાલ સ્થિતિ મુજબ જ કોઈ જ વધારો કરવામાં આવશે નહીં. ઈલેક્ટ્રીક ટ્રેન શરૂ થતા જ તેમની સ્પીડ વધે એ પણ સ્વાભાવીક છે. જેથી મુસાફર વર્તમાન ટ્રેનમાં અવરજવર કરે છે. તેમના સમય કરતા ઘણા ઓછા સમયમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકશે.