સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 2 હજાર જેટલા વિદ્યાર્થીઓ સર્જનાત્મતામાં એકતા અંતર્ગત સ્પર્ધામાં ભાગ લેશે
રાજકોટઃ આઝાદીના અમૃત મહોત્સવની ઊજવણીના ભાગરૂપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સર્જનાત્મતામાં એકતા શિર્ષક હેઠળ વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 2000 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે. આ સ્પર્ધામાં જોડાવવા માટે વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઊજવણીના ભાગરૂપે સમગ્ર ભારત વર્ષમાં “Unity in Creativity Contest” શિર્ષક હેઠળ રંગોળી સ્પર્ધા, દેશભક્તિ ગીત લેખન, લોરી (હાલરડાં) લેખન એમ ત્રણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં દસ વર્ષથી વધારે ઉંમરના સ્પર્ધકો ભાગ લઇ શકશે. આ સ્પર્ધામાં (ઓનલાઈન) સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દેશભક્તિના રંગે રંગાશે અને ભાગ લેશે. આ સ્પર્ધા જીતનારા સ્પર્ધકને લાખોના ઈનામોથી નવાજવામાં આવશે તેમજ વિજેતા બનેલી કોલેજને અને આચાર્યને વડાપ્રધાનની કચેરી દ્વારા પ્રોત્સાહન પત્ર પણ મોકલવામાં આવશે અને વિજેતાનો ઉલ્લેખ મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન દ્વારા કરાશે જે વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ અને એનએસએસ વિભાગ દ્વારા આ કાર્યક્રમમાં 2000થી વધુ એનએસએસના વિદ્યાર્થીઓ ઓનલાઇન કાર્યક્રમમાં જોડાશે અને વિવિધ સ્પર્ધામાં ભાગ લેશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ગિરિશભાઈ ભીમાણી દ્વારા 10 ફેબ્રુઆરીના યુનિવર્સિટીના 2 હજારથી વધુ વિદ્યાર્થીઓને ઓનલાઇન દેશભક્તિના રંગે રંગાવા માટે પ્રકલ્પમાં જોડાવા આહવાન કર્યું હતું તેમણે જણાવ્યું કે કોલેજો વધુમાં વધુ વિદ્યાર્થીઓ દેશભક્તિની આ સ્પર્ધામાં જોડાઈ અને વિદ્યાર્થીઓની સર્જનાત્મકતાને વેગ મળે, રાષ્ટ્ર પ્રત્યે દેશદાઝ વધે તે હેતુથી ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા કાર્યક્રમ યોજાયો છે. સ્પર્ધાનું આયોજન ઓનલાઈન રહેશે તેથી તા.15 ફેબ્રુઆરી સુધીમાં લીંક https://amritmahotsav.nic.in/competitions.htm ઉપર નોંધણી કરવાની રહેશે.