દેશના વિવિધ રાજ્યોના લગભગ 200 જેટલા મંત્રીઓ ક્રિમિનલ કેસનો કરી રહ્યાં છે સામનો
નવી દિલ્હીઃ બિહારના કાનૂન મંત્રી કાર્તિકેય સિંહ ઉપર અપહરણનો આરોપ છે, તેમ છતા તેમને મંત્રી બનાવવામાં આવ્યા હોવાનો ભાજપાએ આક્ષેપ કર્યો છે. ભાજપના સાંસદ સુશીલ મોદીએ દાવો કર્યો હતો કે, જે દિવસે કાર્તિકેય સિંહને અદાલતમાં સરન્ડર કરવાનું હતું તે જ દિવસે તેમણે કાનૂન મંત્રી પદના શપથ લીધા હતા. જો કે, બિહારના આ મંત્રી ઉપર જ ગંભીર આરોપ છે તેવુ નથી. દેશના વિવિધ રાજ્યોના અનેક મંત્રીઓ ક્રિમિનલ કેસોનો સામનો કરી રહ્યાં છે.
ભારતીય ન્યાયશાસ્ત્ર અનુસાર જ્યાં સુધી આરોપ સાબિત ના થાય ત્યાં સુધી તેમને નિર્દોષ માનવામાં આવે છે. પોલીસ ફરિયાદ ભલે થઈ હોય પરંતુ જ્યાં સુધી આરોપ સાબિત ના થાય ત્યાં સુધી તેમને આરોપી ગણી શકાય નહીં, એટલે તેઓ ચૂંટણી પણ લડી શકે છે. પરંતુ જો આરોપ સાબિત થઈ જાય તો તેઓ ચૂંટણી લડી શકતા નથી.
પહેલા ચૂંટણી લડતા પહેલા ઉમેદવારને સોંગદનામામાં પોતાની ઉપર થયેલા પોલીસ કેસનો ઉલ્લેખ કરવો ફરજિયાત ન હતો, પરંતુ 2002માં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સોગંદનામામાં પોતાની સામેના કેસનો ઉલ્લેખ કરવો ફરજિયાત કરાયો હતો.
રાજનીતિમાં ગુનાખોરીને અટકાવવા માટે ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે એક ગાઈડલાઈન જાહેર કરી હતી. જે અનુસાર કોઈ પણ રાજકીય પાર્ટીએ હવે પોતાની વેબસાઈટ અને સોશિયલ મીડિયા ઉપર વિવિધ ગુનાનો સામનો કરતા રાજકીય આગેવાનની જાણકારી જાહેર કરવાનું ફરજિયાત કર્યું હતું. તેમજ તે રાજકીય આગેવાનને ચૂંટણીમાં કેમ ટીકીટ આપી તે પણ જાહેર કરવાનું રહેશે. પરંતુ તેની પણ છટકબારી રાજકીય પાર્ટીઓએ શોધી કાઢી હોય તેમ લાગે છે.
રાજકીય કિન્નાખોરી રાખીને ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનો બચાવ કરવામાં આવે છે. કેટલાક રાજ્યોમાં સરકાર બન્યાં બાદ જે તે પાર્ટી પોતાની પાર્ટીના સાંસદો અને ધારાસભ્યો સામેના ક્રિમિનલ કેસ પાછા ખેંચી લેતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
(PHOTO-FILE)