Site icon Revoi.in

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આગ લાગતા 2500 જેટલી મરચાની ભારી બળીને ખાક, ખેડુતોને નુકશાન

Social Share

ગોંડલઃ ગુજરાતના સૌથી મોટા ગણાતા ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં મરચાની ભારીમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. બપોરના સમયે અચાનક જ આગ ભભૂકી ઉઠતા અફડા-તફડી મચી ગઈ હતી. આ આગમાં અનેક મરચાની ભારીઓ બળીને ખાક થઈ ગઈ હતી. એકાએક આગ ભભૂક્તા ત્યાં રહેલા ખેડૂતોમાં પણ નાશ ભાગ મચી હતી. આ મરચાના પટમાં આ આગ લાગી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી દીધી હતી. જેથી કરીને ફાયર બ્રિગેડની ટીમ પણ તાત્કાલિક ગોંડલ માર્કેટિંગ યાર્ડ દોડી આવી હતી.

રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે બપોરબાદ મરચાના ગ્રાઉન્ડમાં પડેલા મરચાની ભારીઓમાં અચાનક આગ લાગી હતી.  આગ ક્યાં કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. ત્યારે નવા માર્કેટ યાર્ડમાં આવેલા ટ્રાન્સપોર્ટ નગરની બાજુમાં આવેલા મેદાનમાં  ખેડૂતોએ ઉતારેલા મરચાની ભારીમાં આગ લાગી હતી. અચાનક લાગેલી આગને કારણે ખેડૂતોમાં નાશભાગ મચી ગઈ હતી.  આગ લાગવાની ઘટનાની જાણ થતાં  ગોંડલ નગરપાલિકાના ફાયર વિભાગના જવાનો 2 ફાયર સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને આગ પર પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાથે સાથે યાર્ડના બે પાણીના ટેન્કરો દ્વારા પણ આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો. આગને કારણે ખેડૂતોનો માલ બળીને ખાક થઈ ગયો હતો. આગના બનાવની જાણ થતાં  યાર્ડના વાઇસ ચેરમેન તુરંત ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને અન્ય ગ્રાઉન્ડમાં પડેલા મરચાની ભારી અન્ય સલામત સ્થળે ખસેડવા કામગીરી હાથ ધરાતા મોટા પ્રમાણમાં ખેડૂતો નો માલ બચાવી લેવાયો હતો.

ગોંડલ યાર્ડમાં આજે બપોર બાદ મરચા ના ગ્રાઉન્ડમાં લાગેલી આગથી નુકશાન થયેલા ખેડૂતોને વળતર ચુકવવામાં આવશે તેવું યાર્ડના સતાધીશોએ  જણાવ્યું હતું. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 2200 થી 2500 ભારી મરચા આગમાં ખાક થઈ ગયા હતા. હજુ આશરે 13000 ભારી મરતા ગ્રાઉન્ડમાં પડેલા છે. આગ લાગવાની શરૂઆત થતા જ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો, કર્મચારીઓ, વેપારી મંડળોએ સાથે મળીને ઘણીખરી બોરીઓ સળગતી આગમાંથી પણ બહાર કાઢીને બચાવી લેવામાં આવી છે.  આશરે 12,000 ભારી બચાવવામાં સફળ થયા છીએ અને જે ખેડૂતોના મરચા બળીને ખાક થયા છે જે કારોબારીની જે મીટીંગ યોજાશે તેમાં યોગ્ય ન્યાય અને યોગ્ય વળતર આપવામાં આવશે.