અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા એકથી 15 વર્ષમાં નિવૃત થયેલા 30 જેટલા આઈએએસ યાને સનદી અધિકારીઓ નિવૃતી બાદ પણ સરકારમાં સેવા આપી રહ્યા છે. નિવૃત્તિ બાદની નિમણૂકોના નિયમો હેઠળ તેમને જુદા જુદા વિભાગોમાં મુકવામાં આવે છે. કેટલાક અધિકારીઓને વિવિધ આયોગમાં પદ આપવામાં આવે છે.
ગાંધીનગરના સચિવાલયના સૂત્રોના જણાવ્યા મુજબ હાલ રાજ્ય સરકારમાં 30 નિવૃત થયેલા સનદી અધિકારીઓ સેવા આપી રહ્યા છે. જેમાં 2007માં નિવૃત્ત થયેલા વરિષ્ઠ IAS અધિકારી સુધીર માંકડ હાલમાં મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગિફ્ટ સિટીના ચેરમેન છે. જ્યારે 2017માં નિવૃત થયેલા અધિકારી તપન રે ગિફ્ટ સિટીના મેનેજિંગ ડાયરેક્ટર અને સી.ઇ.ઓ. તરીકે ફરજ બજાવે છે. 2011માં નિવૃત થયેલા બળવંતસિંહ ગુજરાત પોલીસ કમ્પલેઇન ઓથોરિટીના ચેરમેન છે. જ્યારે વર્ષ 2013માં મુખ્યમંત્રી કાર્યાલયમાંથી જ નિવૃત થયેલા કે. કૈલાસનાથન આજે પણ મુખ્યમંત્રી કાર્યાલયમાં મુખ્ય અગ્ર સચિવ પદે કાર્યરત છે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પદેથી નિવૃત થયેલા સંગીતા સિંહને નિવૃતિના દિવસે જ તકેદારી આયોગમાં નિમણૂંક મળી ગઇ હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્ર હોય કે અન્ય રાજ્ય સરકારો દ્વારા નિવૃત્ત અધિકારીઓની સેવા લેવાતી હોય છે.આઈએએસ કેડર સિવાય પણ અધિકારીઓને નિવૃત્ત થયા બાદ કરાર આધારિત કે અન્ય રીતે રખાતા હોય છે. કહેવાય છે કે, જે અધિકારીઓ સરકારની નજીક એમની માટે નિવૃત્તિ બાદની તકો પણ વધી જતી હોય છે. કેટલાક અધિકારીઓને સારી કામગીરીની કદર કરીને નિવૃતી બાદ સેવા લેવામાં આવતી હોય છે.
200ના IAS સિવિલ લિસ્ટ પ્રમાણે, ગુજરાતમાં કુલ મંજૂર સંખ્યા 313 છે. જેમાંથી સીધી ભરતીથી 218, બઢતીથી આઈએએસ બનેલા 95 અધિકારીઓની જોગવાઇ છે. રાજ્યમાં 170 આઈએએસ ની સીનિયર પોસ્ટ છે. હાલમાં રાજ્યમાં આઈએએસનું સંખ્યા બળ 252 છે. જેમાંથી સીધી ભરતીથી આવેલા અધિકારીઓ 171 છે. ગુજરાત કેડરના 20 અધિકારીઓ હાલમાં ગુજરાત બહાર ફરજ બજાવી રહ્યા છે જેમાંથી કેટલાક કેન્દ્ર સરકારમાં જ્યારે અમુક દેશ બહાર પણ ફરજ બજાવી રહ્યા છે. રાજ્યના મુખ્ય સચિવનો પે-સ્કેલ રૂ. 2.25 લાખ જ્યારે અધિક મુખ્ય સચિવ કક્ષાએ પણ પે-સ્કેલ રૂ. 2.25 લાખ હોય છે. અગ્ર સચિવ કક્ષાએ પે-સ્કેલ રૂ. 1.82 લાખ -રૂ. 2.24 લાખ હોય છે. 2016ના IAS સિવિલ લિસ્ટ પ્રમાણે, રાજ્યમાં કુલ મંજૂર સંખ્યા 297 હતી.