Site icon Revoi.in

ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે 37 જેટલી સેવાઓ નવા શૈક્ષણિક સત્રથી ઓનલાઈન કરાશે

Social Share

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ હવે વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક સત્રથી ઓનલાઈન સેવાઓ પુરી પાડવામાં આવશે. વિદ્યાર્થીઓને નાના કામ માટે પણ યુનિવર્સિટીમાં આવવું પડે છે. જેમાં વિદ્યાર્થીઓનો સમય પણ બરબાદ થતો હોય છે. યુનિ.ના સત્તાધિશોએ પરીક્ષાની વિવિધ કામગીરી ઓનલાઈન કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં પ્રી-રિસ્ટ્રેશન, એલિજિબિલિટી, માઈગ્રેશન સર્ટી, એડમિશન, પરીક્ષા ફોર્મ, હોલ ટિકિટ, રિ-ચેકિંગ, રિ-એસેસમેન્ટ, હોસ્ટેલ ફી મેસ સહિત તમામ સુવિધા હવે ઓનલાઈન આપવામાં આવી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટી યુનિવર્સિટીમાં અંદાજે 4 લાખ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેથી રોજબરોજ વિદ્યાર્થીઓને નાનાં-મોટાં કામ માટે ગુજરાત યુનિવર્સિટીના ધક્કા ખાવા પડે છે, પરંતુ હવેથી તેમને આ ધક્કાઓમાંથી મુક્તિ મળશે, કારણ કે ગુજરાત યુનિવર્સિટીની 37 સેવા ઓનલાઇન કરી દીધી છે. આમ, હવે વિદ્યાર્થીઓએ ગુજરાત યુનિવર્સિટી સુધી લાંબા થવું પડશે નહીં. આગામી શૈક્ષણિક વર્ષ 2022-23થી આ ઓનલાઈન સેવા શરૂ કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ પરથી જ આ તમામ સેવાઓ મળી રહેશે. આ સેવાઓ રજાના દિવસે પણ ચાલુ રહેશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ તમામ સેવાઓ ઓનલાઈન થવાથી બહારગામથી આવતા વિદ્યાર્થીઓને પોતાના કામ માટે યુનિવર્સિટીએ આવવું પડશે નહીં. આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટીમાં કામ કરતા કર્મચારીઓને પણ અનેક સેવા ઓનલાઈન મળી રહેશે, જેનો વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના લાગતાવળગતા કર્મચારીઓને પણ લાભ થશે. આ પદ્ધતિને કારણે સમય પણ બચશે અને કામ પણ ખૂબ જ ઝડપથી થશે.