નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાના પ્રધાનમંત્રીના વિઝનને પૂર્ણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. નવી દિલ્હીમાં આરોગ્ય મંથન-2023ના સમાપન સત્રમાં માંડવિયાએ જણાવ્યું હતું કે સરકાર આ યોજના દ્વારા દેશના દરેક વ્યક્તિને સસ્તી આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે કામ કરી રહી છે. આરોગ્ય મંત્રીએ કહ્યું કે સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણ માટે આયુષ્માન ભારત-PMJAY જેવી યોજના ખૂબ જ મહત્વપૂર્ણ છે. આયુષ્માન ભારત-PMJAY ના અમલીકરણના પાંચમા વર્ષ અને આયુષ્માન ભારત ડિજિટલ મિશનના બે વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે નેશનલ હેલ્થ ઓથોરિટી દ્વારા આ બે દિવસીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું કે, 25 કરોડ આયુષ્માન ભારત કાર્ડ બનાવવામાં આવ્યા છે અને 5 કરોડ 5 લાખ થી વધુ લોકોને આ યોજનાનો લાભ મળ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કહ્યું કે આયુષ્માન કાર્ડ પ્રાપ્તકર્તાઓમાં મહિલાઓનો આશરે 49 ટકા હિસ્સો છે, તેમણે કહ્યું કે ટ્રાન્સજેન્ડરને પણ આ યોજના હેઠળ આવરી લેવાયા છે. આયુષ્માન ભારત ડિજિટલ મિશન અંગે માંડવિયાએ જણાવ્યું હતું કે ડિજિટલ હેલ્થ એ દેશમાં ઉભરતું ક્ષેત્ર છે અને આરોગ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દેશની જનતાને આરોગ્ય લક્ષી સુવિધાઓ ઝડપી અને નજીકથી મળી રહે તેવા માટે મોદી સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત પ્રજાની દવાનો ખર્ચ ઘટે તે માટે દેશના વિવિધ શહેરો-નગરોમાં જન ઔષધી કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં છે.