Site icon Revoi.in

ગુજરાતમાં લગભગ 50 ટકા જેટલી મહિલાઓ પાસે નથી મોબાઈલ ફોન

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામરી દરમિયાન ઓનલાઈન એજ્યુકેશન અને વર્કફ્રોમ હોમ કલ્ચરને પગલે સ્માર્ટફોન અને ઈન્ટરનેટનો વપરાશ વધ્યો હતો. જો કે, રાજ્યમાં 15થી 49 વર્ષની 49 ટકા જેટલી મહિલાઓ પાસે મોબાઈલ ફોન નહીં હોવાનું જાણવા મળે છે. જ્યારે દેશમાં 54 ટકા મહિલાઓ પાસે મોબાઈલ ફોન નથી.

કેન્‍દ્ર સરકારના ઈલેક્‍ટ્રોનિક અને ઈન્‍ફર્મેશન વિભાગે આ માહિતી બહાર પાડી છે. સર્વેક્ષણ રિપોર્ટ પ્રમાણે દેશના શહેરી વિસ્‍તારમાં ઈન્‍ટરનેટનો ઉપયોગ કરનાર મહિલાની ટકાવારી 52 ટકા આસપાસ છે જયારે ગ્રામ્‍ય ક્ષેત્રે આ ટકાવારી 25 ટકા આસપાસ છે. આમ 15થી 49 વર્ષની વય ધરાવતી મહિલાઓમાં એકંદરે 33.3 ટકા મહિલાઓએ જ ઈન્‍ટરનેટનો ઉપયોગ કર્યો છે. ડિજિટલ સેવાનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે વિવિધ સ્‍તરે પગલાં લેવાઈ રહ્યા છે.

તાજેતરમાં જ અન્‍ય એક સરકારી રિપોર્ટ સામે આવ્‍યો હતો, જેમાં બહાર આવ્‍યું હતું કે, આજે પણ ગુજરાતના 567 જેટલા ગામો એવા છે જયાં મોબાઈલ કનેક્‍ટિવિટી પહોંચી નથી એટલે કે અહીં મોબાઈલ કવરેજ નથી. આવા જિલ્લાઓમાં ડાંગ, કચ્‍છ અને નર્મદા જિલ્લાના સૌથી વધુ ગામો હોવાનું સામે આવ્‍યું છે. અત્‍યારે ગુજરાતમાં આણંદ, ખેડા, ગાંધીનગર અને મહેસાણા જિલ્લો એવો છે જે 100 ટકા ગામોમાં મોબાઈલ કનેક્‍ટિવિટી ધરાવે છે. જયાં કનેક્‍ટિવિટી નથી તેવા ગામોમાં વિવિધ યોજના મારફત મોબાઈલ કવરેજ ઉપલબ્‍ધ કરાવવા કાર્યવાહી ચાલી રહી છે.