- લોન લેવાની જાળમાં ન ફસાતા
- નહીં તો બેન્ક એકાઉન્ટ થઈ જશે ખાલી
- ફેક એપ્લિકેશનથી ગઠિયાઓ આપી રહ્યા છે લોન
આજકાલ દેશમાં ટીવી તથા ન્યુઝપેપરમાં કેટલીક વાર એવી જાહેરાત જોવા મળતી હોય છે જેમાં લોકોને લોન લેવા માટેની લાલચ આપવામાં આવતી હોય છે. લોકોને લોન આપનારી 600 જેટલી એપ્લિકેશન ચાલી રહી છે જે લોકોને લૂંટે છે તેમ કહીએ તો પણ ચાલે.
સંસદમાં નાણા રાજ્ય મંત્રીએ જણાવ્યું કે 23 ડિસેમ્બર 2020 ના રોજ રિઝર્વ બેંકે એક નિર્દેશમાં જણાવ્યું હતું કે,ગેરકાયદેસર લોન એપ્સની લાલચમાં ન આવો અને આવી મોબાઈલ એપ્સથી લોન ન લો. જો કોઈ કંપની કે એપ સસ્તા દરે લોન આપે છે, તો પહેલા તે કંપની કે એપ વિશે સંપૂર્ણ માહિતી એકત્ર કરો. કંપનીની ચકાસણી કરો, કંપની યોગ્ય લાગે છે, જો તે રેગ્યુલેટ થાય તો જ આગળ વધો. નહીંતર આવી કંપનીઓનો શિકાર બનવાથી બચો. રિઝર્વ બેંકે આ સંબંધમાં તમામ રાજ્યોને સૂચનાઓ જારી કરી છે અને તેમને આવી ગેરકાયદે લોન એપ્સ પર નજર રાખવા અને નિયમોના ઉલ્લંઘન પર કાર્યવાહી કરવા જણાવ્યું છે. આવી કાર્યવાહીની જવાબદારી રાજ્ય સરકારોની છે.
સરકારે સોમવારે સંસદમાં જણાવ્યું હતું કે હાલમાં દેશમાં 600 ગેરકાયદે લોન એપ ચાલી રહી છે. સરકારે આ આંકડો રિઝર્વ બેંકના રિપોર્ટના આધારે આપ્યો છે. સરકારે જણાવ્યું કે દેશમાં લગભગ 600 લોન આપતી એપ છે જે ગેરકાયદેસર છે અને તે તમામ એપ સ્ટોર પર પણ ઉપલબ્ધ છે. આવા અહેવાલો પહેલા પણ આવી ચૂક્યા છે.
ભૂતકાળમાં રિઝર્વ બેંકે કેટલીક લોન એપ્સના નામ જાહેર કર્યા છે જેના પર ગ્રાહકોને છેતરવાનો આરોપ છે અને આવી ગેરકાયદેસર મોબાઇલ એપ્સ સામે ચેતવણી આપવામાં આવી છે. લોકોએ આ એપ્સની આડમાં આવીને લોન લીધી અને તેમને મોંઘા દરે વ્યાજ ચૂકવવું પડે છે. લોન છેતરપિંડીથી કેટલાક લોકોના જીવ ગુમાવવાની પણ માહિતી છે.